રાજકીય પક્ષો માટે ‘કિસાન માર્ચ’ ચૂંટણીમાં મુશ્કેલીઓ સર્જશે

નવી દિલ્હીઃ ખેડૂતોની માગને લઈને ખનૌરી સરહદે ચાલી રહેલા કિસાન મોરચાનું આંદોલન સતત જારી છે. સંયુક્ત કિસાન સંગઠન (બિન રાજકીય)ના નેતા જગજિત સિંહ ડલ્લેવાલે કહ્યું હતું કે કેટલાય લોકોનું કહેવું છે કે ચૂંટણીની આચાર સંહિતા લગાવવાની કિસાન આંદોલન ફેલ થઈ જશે, પરંતુ આંદોલન કોઈ ચૂંટણીથી દબાશે નહીં, પણ એ રાજકીય પાર્ટીઓ માટે સાપે છંછુદર જેવી સ્થિતિ પેદા કરશે.

ખેડૂતો અને યુવનોએ હકથી માગને પૂરી કરવા માટે એકજુટ થવાની જરૂર છે. એના માટે યુવાન શુભકરણ સિંહના અસ્થિઓ સહિત કળશ યાત્રા વિવિધ રાજ્યોમાં જઈને કેન્દ્ર અને હરિયાણા સરકારના અત્યાચારને લોકોની સમક્ષ રાખવાનું કામ કરશે.એ યાત્રા 22 માર્ચે હિસાર અને 31 માર્ચે અંબાલામાં પહોંચશે. યુવાન શુભકરણ સિંહના મોતને ભૂલી જવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. જ્યારે અભિમન્યુ કુહાડે કહ્યું હતું કે આવનારા દિવસોમાં ખનૌરી બોર્ડર પર હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ખેડૂતો તંબુ લગાવીને બેઠા છે.

કિસાન આંદોલનના દિલ્હી માર્ચ પહેલાંથી જ કેન્દ્ર સરકારના મંત્રી અને કિસાન નેતા બેઠક કરી રહ્યા છે. અત્યાર સુધી સરકાર અને કિસાનો વચ્ચે ચાર વખત વાતચીત થઈ છે. પરંતુ આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી, પરંતુ હજુ સરકાર કિસાનો સાથે વાતચીત દ્વારા સમાધાન કાઢવા ઇચ્છે છે. તેવામાં બંને પક્ષે જલદી પાંચમાં તબક્કાની વાતચીત થાય એવી શક્યતા છે.