નવી દિલ્હીઃ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી રસપ્રદ બનશે, કેમ કે દરેક રાજકીય પક્ષોએ એની તૈયારી શરૂ કરી દીધી છે. એક બાજુ નીતીશકુમાર ભાજપની સામે મુખ્ય મોરચો તૈયાર કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સત્તા હાંસલ કરીને મજબૂત પકડ બનાવી છે. એ સિવાય ગોવા અને ગુજરાતમાં પક્ષના મતની ટકાવારીમાં વધારો થતાં એને રાષ્ટ્રીય પક્ષોની યાદીમાં મૂકી દીધો છે. હવે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ 18 ડિસેમ્બરે નવા રોડમેપનું મંથન કરવાના છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલના નેતૃત્વમાં હવે પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કરી રહી છે અને એ માટે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીપદ પર કેટલાક નેતાઓની નિયુક્તિ કરવામાં આવી છે.
આપે 18 ડિસેમ્બરે રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, બધા રાજ્યોના સાંસદો અને વિધાનસભ્યો સામેલ થશે. પાર્ટીની આ બેઠકમાં એ વાત પર મંથન થશે કે 2024 માટે ચૂંટણીનું આયોજન કેવી રીતે કરવામાં આવે?
આમ આદમી પાર્ટી આ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પબ્લિક માહોલ બનાવવા ઇચ્છે છે કે પક્ષ હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય એક ત્રીજો રાજકીય વિકલ્પ છે. આપ આ વિકલ્પને જોઈને 2024 માટે સંભાવનાઓ તપાસી રહી છે. હવે આપ કેટલાંક અન્ય રાજ્યોમાં પણ પણ પકડ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે, કેમ કે વર્ષ 2023માં 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં ભાજપને ટક્કર ના આપી શકી પણ હવે એ કોંગ્રેસનો વિકલ્પ બનવા માગે છે. આમ હવે પાર્ટી ભાજપ ને કોંગ્રેસનો વિકલ્પ બનવા ધારે છે.