વિવાદિત નિવેદન બદલ રાહુલ ગાંધીની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થાયઃ ભાજપ

નવી દિલ્હીઃ ભાજપે અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોની પિટાઈ કરવાવાળી ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર તીખો હુમલો કર્યો છે. ભાજપે માગ કરી છે કે કોંગ્રેસે તત્કાળ તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ. ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે જો કોંગ્રેસના અધ્યક્ષ રિમોટથી સંચાલિત નથી થતા અને વિરોધ પક્ષો દેશની સાથે ઊભા છે તો તેમણે તેમની ટિપ્પણીઓ માટે પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ. રાહુલે ભારતનું અપમાન કર્યું છે અને સશસ્ત્ર દળોનું મનોબળ તોડ્યું છે.

મધ્ય પ્રદેશના CM શિવરાજ ચૌહાણે પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને હું પૂછવા માગું છું કે 1962 યાદ કરી લો, ત્યારે દેશની હાલત શી હતી? ત્યારે ચીને દેશના કેટલા ભાગ પર કબજો કર્યો હતો. જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા, ત્યારે નાના-નાના દેશો પણ અમને ડરાવતા હતા. હવે ભારત તરફ કોઈ આંખ ઊંચી નથી કરી શકતું.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન રાષ્ટ્રવિરોધી તત્ત્વોને પ્રેરિત કરવાવાળું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સેનાનું અપમાનિત કરવાવાળું છે. અમે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિચારોની નિંદા કરીએ છીએ. તેમનાથી એ માગ કરીએ છીએ કે તો દેશની જનતા અને દેશના બહાદુર જવાનોથી માફી માગે.

ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ દુશ્મન દેશોની સાથે સમજૂતી કરી છે, જ્યારે-જ્યારે ભારતીય સેના પરાક્રમ દેખાડશે, ત્યારે-ત્યારે રાહુલ ગાંધી ને કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવાનું કામ કરશે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષોમાં ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી કર્યો.