ચીનમાં કોરોના બેકાબૂઃ સ્મશાનગૃહોમાં લાંબી લાઇનો લાગી

બીજિંગઃ ચીનમાં કોરોનાનાનો કહેર થઈ રહ્યો છે. ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. જેને લીધે બીજિંગના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી છે. ચીને તેની 1.4 અબજની વસતિને કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાનાં લક્ષણ ગંભીર ના જણાય, ત્યાં સુધી તેઓ ઘરે રહીને સારવાર કરે, કેમ કે ચીનમાં હાલ શહેર સંક્રમણની પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે. ચીને સાત ડિસેમ્બરે કોવિડની નીતિઓમાં ફેરફાર કર્યો છે.

કોરાના વાઇરસને કારણે ચીનના અંતિમ ધામોમાં કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. સ્મશાન ગૃહના મોટા ભાગના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જેથી એક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ત્રણ દિવસની રાહ જોવી પડે છે, એમ એક કર્મચારીએ જણાવ્યું હતું.ચીનના આરોગ્યના સત્તાવાળાઓએ આ મહિને ત્રીજી ડિસેમ્બરે કોરોનાને લીધે મોતોની પુષ્ટિ કરી હતી. કોરોનાને લીધે અહીં બે પત્રકારોનાં મોત પણ થયાં છે. પુલ્સ ડેલીના ભૂતપૂર્વ રિપોર્ટર 74 વર્ષીય યાંગ લિયાંગઘુઆની ગુરુવારે કોરોનાને લીધે મોત થયું છે, જ્યારે ચાઇના યૂથ ડેલીના ભૂતપૂર્વ સંપાદક 77 વર્ષીય ઝાઉ ઝિશુનની એક સપ્તાહ પહેલાં મોત થયું છે.

બીજી બાજુ અમેરિકી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે 2023માં ચીનમાં કોરોના રોગચાળો તબાહી મચાવશે. એક અંદાજ મુજબ ચીનમાં કોરોનાના કેસો એપ્રિલ સુધી ચરમસીમાએ પહોંચશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં મોતનો આંકડો 10 લાખને પાર પણ થશે. એ વખતે ચીનની આશરે એક તૃતીયાંસ વસતિ કોરાના સંક્રમિત હશે.