દિલ્હીમાં જળસંકટની વચ્ચે SC પહોંચી કેજરીવાલ સરકાર

નવી દિલ્હીઃ દિલ્હી હાલના સમયે જળસંકટથી ઝઝૂમી રહી છે અને એના માટે રાજકીય પક્ષો એકમેક પર આરોપ લગાવી રહ્યા છે. એ દરમ્યાન ભીષણ ગરમીમાં પાણીની ખેંચની વચ્ચે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. મુખ્ય મંત્રી કેજરીવાલે પણ ભાજપ શાસિત રાજ્યોમાંથી વધુ પાણી આપવાની અપીલ કરી છે.

કેજરીવાલની માગ છે કે જળસંકટને જોતાં હરિયાણા, Up અને હિમાચલ પ્રદેશથી એક મહિના માટે વધારાનું પાણી મળે. દિલ્હી સરકારે આ અરજી એવા સમયે કરી છે, જ્યારે જળસંશાધન મંત્રી આતિશીએ હાલમાં ભાજપ શાસિત રાજ્ય હરિયાણા પર દિલ્હીના ભાગનું યમુનાનું પાણી અટકાવવા માટે આરોપ લગાવ્યો છે.

આતિશીએ હરિયાણા પર પહેલી મેથી દિલ્હીના ભાગનું પાણી નહીં આપવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં યમુનાના પાણીના પુરવઠામાં સુધારો નહીં થયો તો સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.

કેજરીવાલે કહ્યું હતું કે પાણીની માગ વધી ગઈ છે અને અમારા ભાજપના સાથી ધરણાં કરી રહ્યા છે. એનાથી સમાધાન નહીં નીકળે. ભાજપ હરિયાણા અને UP સરકારથી એક મહિના માટે પાણી અપાવી દે તો ખૂબ પ્રશંસા કરીશું.

કેજરીવાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દેશમાં અભૂતપૂર્વ ગરમી પડી રહી છે, જેને કારણે દેશમાં પાણીનું સંકટ થયું છે. દિલ્હીને જે પાણી પડોશી રાજ્યોથી મળતું હતું, એમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ મુશ્કેલીના સમયમાં આપણે સૌએ મળીને આનું નિવારણ કરવું પડશે.