કર્ણાટક ફોર્મ્યુલા પર ફાઈનલ મંથન, ડેપ્યુટી સીએમની રેસમાં જી. પરમેશ્વરનું નામ ચર્ચામાં

બેંગાલુરુ- કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (JDS) અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તે નક્કી થઈ ગયું છે. બુધવારે એચ.ડી. કુમારસ્વામી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. પરંતુ તેમની સાથે કેટલા પ્રધાનો શપથ લેશે અને કેબિનેટનું સ્વરુપ કેવું હશે આ અંગે સસ્પેન્સ હજી યથાવત છે. કોંગ્રેસ અને JDS બન્ને પક્ષના ટોચના નેતાઓ પણ આ અંગે ચિંતિત છે.કર્ણાટક ફોર્મ્યુલા પર ફાઈનલ મંથન કરવા આજે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના (JDS) ધારાસભ્યોની બેંગાલુરુમાં બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ કુમારસ્વામીના કેબિનેટનું સ્વરુપ કેવું હશે તે સસ્પેન્સનો અંત આવી શકે છે.

બન્ને પાર્ટીના સંયુક્ત ધારાસભ્યોની બેઠકમાં કેબિનેટને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન અને વિધાનસભા સ્પીકરના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ કુમારસ્વામી સાથે ક્યા પ્રધાનો શપથ લેશે તે અંગેનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવશે.

કર્ણાટકમાં મોટો વિવાદ નાયબ મુખ્યપ્રધાનને લઈને છે. અત્યાર સુધી જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, તે મુજબ JDSના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાનને લઈને હતી. આ દરમિયાન હવે લિંગાયત સમુદાય માંથી આવતા ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન પદ આપવાની માગ ઉઠી રહી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, આજની બેઠકમાં બે નાયબ મુખ્યપ્રધાન અંગે પણ વિચાર કરવામાં આવી શકે છે.  જોકે, આ બધા વચ્ચે કોંગ્રેસના જી. પરમેશ્વરનું નામ નાયબ મુખ્યપ્રધાનની રેસમાં સૌથી આગળ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]