બેંગલુરુઃ કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકારે રવિવારના રોજ દેશમાં લોકડાઉન 4.0 ના ચોથા ફેઝની જાહેરાત કરી છે. આ અંતર્ગત કેન્દ્રએ રાજ્યોને ઝોન પસંદ કરવાથી લઈને આર્થિક ગતિવિધિઓ શરુ કરવા માટે આઝાદી આપી છે. ત્યારે આવામાં કર્ણાટક, આસામ, પંજાબ અને તમિલનાડુ સરકારે રાજ્ય માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ અંતર્ગત કેટલીક છૂટછાટ આપવામાં આવી છે અને કેટલાક પ્રતિબંધોને યથાવત રાખ્યા છે. કર્ણાટક સરકારે લોડકાઉન 4.0 ને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી છે. બીએસ યેદીયુરપ્પા સરકારે કહ્યું કે, દર રવિવારના રોજ રાજ્યમાં પૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન માત્ર જરુરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારે કોરોનાના પ્રસારને રોકવા માટે 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુના લોકોના કર્ણાટકમાં એન્ટ્રી પર રોક લગાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની બીએસ યેદીયુરપ્પા સરકારે 18 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં તમામ દુકાનોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે જ રાજ્યમાં તમામ ટ્રેનો શરુ થઈ જશે.
કર્ણાટક સરકારે રાજકીય પરિવહનની બસો, પ્રાઈવેટ બસો, ઓટો રિક્ષાને ચલાવવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ પેસેન્જરની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ખાસ ખ્યાલ રાખવો પડશે. હુબલી અને બેંગ્લોરમાં હેર સલૂન અને સ્પા પણ ખોલવામાં આવ્યા છે અહીંયા પણ બે ગજના અંતરનો ખાસ ખ્યાલ રાખવાનો રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન પૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. અહીંયા માત્ર જરુરી વસ્તુઓની હોમ ડિલીવરી જ થઈ શકશે. હોમ ક્વોરન્ટાઈન વાળા લોકો પર ખાસ નજર રાખવામાં આવશે.
પંજાબ સરકારે રાજ્યમાં કર્ફ્યુ અને લોકડાઉનના સમયમાં વધારે ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 18 મેથી રાજ્યના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં તમામ દુકાનો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સરકારે આ સાથે જ ત્રણેય ઝોનમાં ઓટો રિક્ષા ચલાવવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ પેસેન્જર્સને બેસાડવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખાસ ખ્યાલ રાખવો પડશે.
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે તમિલનાડુની સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં વધારે કડકાઈ આવશે. જો કે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન અનુસાર છૂટ આપવામાં આવી છે.