કપિલ દેવ મુશ્કેલીમાં? ગૌતમ ગંભીરે અપહરણનો વિડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ મુસીબતમાં ફસાઈ ગયો છે. કપિલ દેવનો વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોએ બબાલ કરી દીધી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આ વિડિયો શેર કર્યો છે. સોશિયલ મિડિયા પર આવા કેટલાય વિડિયો વાઇરલ થતા રહે છે.

ગંભીરે વિડિયો શેર કરીને ગંભીર સવાલો પૂછ્યા છે કે શું વિશ્વ કપ વિજેતા કેપ્ટનનું અપહરણ થયું હતું કે નહીં. ગંભીરે ટવિટર પર એક વિડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે શું બીજા કોઈને આ ક્લિપ મળી છે? આશા છે કે એ હકીકતમાં સાચા કપિલ દેવ નથી અને કપિલ પાજી ઠીક છે.

જોકે અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ. પ્રશંસકોએ ટિપ્પણી કરી હતી કે આ એક જાહેરાત હોઈ શકે છે, જેના પ્રચાર માટે શૂટ કરવામાં આવી રહ્યું છે. ફેન્સ સતત ટ્વીટ કરી રહ્યા છે. આ વિડિયોને લઈને કેટલાય મીમ્સ બની રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે?

આ ક્લિપમાં દેખાડવામાં આવ્યું છે કે બે લોકો તેમને પકડીને એક રૂમમાં લઈ જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ખેલાડી કપિલ દેવ અસહાય આંખોથી તેમને જોઈ રહ્યો છે. વાસ્તવમાં આ પહેલાં સૌરવ ગાંગુલી, બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ સહિત તમામ સેલિબ્રિટીઝે જાહેરાત માટે આ પ્રકારના તોટકા અપનાવ્યા છે.