એશિયન ગેમ્સ-2023: ભારતને મહિલા ક્રિકેટનો ગોલ્ડ અપાવનાર તીતાસ સાધુ કોણ છે?

હાંગ્ઝોઃ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ક્રિકેટ ટીમે અહીં 19મી એશિયન ગેમ્સમાં આજે 20 ઓવરોની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19-રનથી હરાવીને ક્રિકેટની રમતનો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની ખરી નાયિકા મધ્યમ ઝડપી બોલર તીતાસ સાધુ છે. એણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન કર્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 97 રન બનાવી શકી હતી. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ આ પહેલી જ વાર ક્રિકેટનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

તીતાસ સાધુ પશ્ચિમ બંગાળની 18 વર્ષીય ક્રિકેટર છે. આ તેની કારકિર્દીની આ માત્ર બીજી જ મોટી ઈન્ટરનેશનલ સ્પર્ધા છે. તે જમોડી બોલર અને બેટર છે. તે અગાઉ અન્ડર-19 ટીમ વતી, તેમજ સ્થાનિક 20-20 મેચમાં રમી ચૂકી છે. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાઈ ગયેલી અન્ડર-19 વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં એણે 4 ઓવરમાં 6 રન આપીને બે વિકેટ લીધી હતી. એશિયન ગેમ્સ-2023માં તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી છે. આજની ફાઈનલ મેચમાં કરેલા બોલિંગ પરફોર્મન્સને કારણે એ સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. ઈન્ટરનેટ યૂઝર્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે અને તેને તથા ભારતીય ટીમને અભિનંદન આપી રહ્યાં છે.

તીતાસે એક મુલાકાતમાં કહ્યું હતું, ‘એશિયન ગેમ્સમાં રમવાનું મેં સપનું સેવ્યું હતું, પણ તે આટલું જલદી સાકાર થશે એવું મેં ધાર્યું નહોતું.’