માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપવા યોજાયો કાર્યક્રમ

દિલ્હી: રાજધાની દિલ્હીમાં વસતા ગુજરાતીઓમાં માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપવા (શનિવારે) હાલમાં જ એક ભવ્ય કાર્યક્રમ સિવિલ લાઇન્સ ખાતેના શ્રીસમાજ સંચાલિત શાહ ઓડિટોરિયમમાં યોજાયો.

શ્રી દિલ્હી ગુજરાતી સમાજ (રજિ.) સંસ્થાએ યોજેલ આ અનૂઠા ને અભૂતપૂર્વ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતગૌરવ પદ્મવિભૂષણ સન્માનિત નૃત્યાંગના અને સંસદસભ્ય (રાજ્યસભા) ડૉ. સોનલ માનસિંહે હાજરી આપી હતી.

આ અવસરે એમણે ગુજરાતી ભાષાની વિશિષ્ટતાઓ અને બહુવિધ લાક્ષણિકતાઓનો ઉદાહરણ સહીત ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે અન્ય ભાષાઓ અને વિશેષ કરીને અંગ્રેજી રહેણીકરણીના વેપારમાં ને વહેવારમાં માત્ર ગુજરાતી ભાષા જ નહિ પણ સમસ્ત ગુજરાતી સંસ્કૃતિ ગૂંગળાતી હોય એવું દેખાય છે. આજકાલ ગુજરાતમાં હિન્દી-અંગેજીના આડેધડ ને બેફામ મિશ્રણવાળી કોઈક વિચિત્ર જ ભાષા ગુજરાતી નામે બોલાય અને લખાય છે. આવા વાતાવરણમાં ગુજરાતની અસલ ઓળખને સ્વાભાવિક રીતે જ અવળી અસર થઈ રહી છે. ગુજરાતી ભાષાની ગરિમા જાળવવા બાબતે ચિંતિત થઈને કદમ ભરવાનો સમય પાકી ગયો છે. આમ કહેતાં સોનલ માનસિંહે અપીલ કરી કે “આવો, ગુજરાતને ગુજરાત બનાવીએ.”

આરંભે શ્રીસમાજના પ્રમુખ સચિન શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે માણસની ઓળખ એની ભાષા થકી જ છે અને ગુજરાતીઓ આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચ્યા છે સ્થાયી થયા છે ને તેઓ બધી રીતે સફળ થાય છે પણ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ તેઓના જીવનકવનમાં જળવાઈ રહે એ તો જ ગુજરાતી વ્યક્તિની કોઈપણ ક્ષેત્રમાં હોય એ સફળતા સાચી ગણાય.

ભાષા વંદના કાર્યક્રમમાં નરસિંહ મહેતાની રચના ‘જળકમળ છાંડી જાને’, વીર નર્મદની રચના ‘જય ગરવી ગુજરાત’, ઉમાશંકર જોશીની રચના ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ તેમ જ ઝવેરચંદ મેઘાણીની રચના ‘મોર બની થનગાટ કરે’ તેમ જ અન્ય રચનાઓનું સુંદર ગાયન પ્રસ્તુત કરાયું હતું અને ‘ગીત અમે ગોત્યું’ તથા અન્ય ગીતો પર નયનરમ્ય નૃત્ય રજૂ કરીને ગુજરાતી ભાષાનો વૈભવ તાદૃશ કરાયો હતો.

શ્રીસમાજની નાટ્યોત્સવ સમિતિના અધ્યક્ષ ભાગ્યેન્દ્ર પટેલે સમગ્ર કાર્યક્રમનું પરિકલ્પન, સંયોજન અને સંચાલન કર્યું હતું. નાટ્યોત્સવના સંયોજકો રાજેશ પટેલ, કલ્પના દોશી અને ‘માતૃભૂમિ’ અખબારજૂથનાં ભૂતપૂર્વ ઉત્તર ક્ષેત્રીય પ્રબંધક અને પત્રકાર મીતા સંઘવીએ વ્યવસ્થામાં સહયોગ કર્યો હતો.

શ્રી સમાજના મુખ્ય મંત્રી હિતેશ અંબાણીએ આભારવિધિ કરી હતી. એમણે જણાવ્યું કે શ્રીસમાજની સાહિત્ય ને વિશેષ કરીને ગુજરાતી માતૃભાષા પરત્વે દિલ્હીની ગુજરાતી જનતાની લોકજાગૃતિ કેળવવાની દિશામાં આ નવી પહેલ છે અને આવનારા સમયમાં આવી ગતિવિધિઓ ધબકતી રહેશે. આ પ્રસંગે શ્રીસમાજના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પોપટ, નિલેશ શાહ, તથા પૂર્વ પ્રમુખ કૌશિક પંડ્યા અને નીતિન આચાર્ય અને અન્ય હોદ્દેદારો તેમ જ મહાનુભાવોએ હાજરી આપી હતી.