ભોપાલ/નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં વગદાર અને વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
સિંધિયાએ એમના રાજીનામાનો પત્ર આજે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. એ પત્ર કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખ્યો છે.
આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકની અમુક જ મિનિટ બાદ સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. સિંધિયા આજે સવારે પહેલાં દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ત્યાંથી બંને નેતા મોદીને મળવા ગયા હતા.
સિંધિયાએ 9 માર્ચની તારીખવાળા એમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે આગળ વધવાનો સમય આવી ગયો છે.
સિંધિયાએ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખ્યું છે કે, ‘તમે તો જાણો જ છો કે, છેલ્લા એક વર્ષથી હું અલગ થવાનું વિચારતો હતો. મારો હેતુ અને ઉદ્દેશ્ય એ જ સ્થિતિમાં જ રહેવાનો હતો, જ્યાં હું શરૂઆતથી જ હંમેશા રહ્યો છું, એટલે કે મારા રાજ્ય અને દેશની જનતાની સેવા કરવી. મને લાગે છે કે હવે આ પક્ષમાં રહીને હું આ કરી શકતો નથી. મારું માનવું છે કે માગે નવી શરૂઆત કરવા માટે આગળનું જોવાનો આ શ્રેષ્ઠ સમય છે.’
સિંધિયાના રાજીનામાને સમર્થન આપતા કોંગ્રેસનાં લોકસભામાંના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘સિંધિયાજીએ કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સિનિયર હોદ્દા સંભાળ્યા હતા. એમનો ઘણો આદર કરાતો રહ્યો છે. મોદીજીએ કોઈક પ્રધાનપદની કરેલી ઓફરથી એ કદાચ લલચાઈ ગયા હોય એવું લાગે છે. અમે જાણીએ છીએ કે સિંધિયાનો પરિવાર દાયકાઓથી ભાજપ સાથે રહ્યો છે, પરંતુ સિંધિયાની વિદાય અમારા માટે મોટા ફટકાસમાન છે.’
સિંધિયાના રાજીનામાને પગલે મધ્ય પ્રદેશમાં નવેસરથી રાજકીય કટોકટી ઊભી થશે. સિંધિયાને ટેકો આપતા અમુક પ્રધાનો સહિત લગભગ 20 વિધાનસભ્યો સિંધિયાની સાથે કોંગ્રેસ છોડી ગયા છે. બેંગલુરુમાંથી એમણે પણ પોતાના રાજીનામા પક્ષને આપી દીધા છે. આને કારણે રાજ્યમાં કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારને માથે મુશ્કેલી ઊભી થઈ છે.
સિંધિયાએ રાજીનામું આપ્યાના સમાચાર બાદ કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે એક ટૂંકું નિવેદન બહાર પાડ્યું હતું અને એમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પ્રમુખે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક રીતે હાંકી કાઢ્યા છે.’
એ પછી ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘જે વ્યક્તિએ રાજીનામું આપી દીધું હોય એને તમે હાંકી કેવી રીતે શકો?’
કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ
દરમિયાન, મધ્ય પ્રદેશમાં, કોંગ્રેસના 6 પ્રધાન સહિત 19 વિધાનસભ્યોએ પણ સિંધિયાની સાથોસાથ એમના રાજીનામા બેંગલુરુથી કોંગ્રેસ પાર્ટીને સુપરત કરી દેતાં કમલનાથની આગેવાની હેઠળની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
આ 19 વિધાનસભ્યોએ એમનું રાજીનામુંપત્ર દર્શાવતી સમૂહ તસવીર પડાવી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.