જમ્મુઃ ભારે ચર્ચાસ્પદ બનેલી હિન્દી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ મુદ્દે ગયા રવિવારે રાતે અહીંની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. એમાં પાંચ વિદ્યાર્થી ઘાયલ થયા છે. કોલેજ વિદ્યાર્થીઓનાં સત્તાવાર વોટ્સએપ ગ્રુપ પર એક વિદ્યાર્થીએ આ ફિલ્મ અંગે એક પોસ્ટ શેર કર્યા બાદ બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જોકે મેડિકલ વિદ્યાર્થીઓનાં એક જૂથે ગઈ કાલે કોલેજના એડમિનિસ્ટ્રેટિવ બ્લોકની બહાર દેખાવો કર્યા હતા. એમનો આક્ષેપ છે કે રવિવારે રાતે કેટલાક અજાણ્યા લોકો હોસ્ટેલમાં પ્રવેશ્યા હતા અને કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ મામલે મેડિકલ કોલેજ સંસ્થા અને પોલીસ ઉચિત પગલું ભરે એવી તેમણે માગણી કરી છે.
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. શશી સુદાને કહ્યું કે તે ઘટનામાં પાંચ વિદ્યાર્થી ઘાયલ થયા હતા અને બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જો તે બનાવમાં અમારી સંસ્થાના કોઈ વિદ્યાર્થી સંડોવાયેલા હશે તો એમની સામે ચોક્કસ પગલું ભરવામાં આવશે.