ઇસરોના ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિક એન. વલારમથીનું નિધન

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક અને એજન્સીના રોકેટ કાઉન્ટડાઉન લોન્ચની પાછળનો એ પ્રતિષ્ઠિત અવાજ કે જેને તમે દરેક લોન્ચ વખતે સાંભળતા હતા એ કાયમ માટે થંભી ગયો છે. ઇસરોના વૈજ્ઞાનિક એન. વલારમથીનું 64 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થયું છે. શનિવારે સાંજે તેઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાં છે અને તેમણે છેલ્લે ચંદ્રયાન-3 વખતે કાઉન્ટ ડાઉન કર્યું હતું.

તેમને બધા સોશિયલ મિડિયા X પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઇસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી વી વેંકટક્રિષ્નાએ વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 એ તેમનું છેલ્લું કાઉન્ટ ડાઉન એનાઉન્સમેન્ટ હતું. તેમણે ટ્વવિટર પર લખ્યું કે હવે ભવિષ્યમાં શ્રીહરિકોટાથી ઇસરોના મિશન રવાના થશે ત્યારે વલારમથી મેડમનો અવાજ સાંભળવા નહીં મળે. તેમનું નિધન અનપેક્ષિત હતું. સોશિયલ મિડિયા પર ઘણા લોકો ઈસરોના સ્વર્ગીય સાયન્ટિસ્ટ અને તેમના કાઉન્ટ ડાઉનના કારણે ઓળખ બની ગયેલા વલારમથીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે તેઓ તેમના કાઉન્ટડાઉનના કારણે હંમેશા યાદ રહેશે. તેમણે છેલ્લે આપણને ચંદ્ર પર શિવશક્તિ પોઈન્ટ આપ્યું હતું. બીજા એક યુઝરે લખ્યું કે અમે છેલ્લે વિક્રમ-એસના લોન્ચ વખતે સાથે કામ કર્યું હતું.

અન્ય એક યુઝરે લખ્યું કે આદિત્ય એલ-1ના લોન્ચ વખતે તેઓ શ્રી હરિકોટાના સ્પેસ સેન્ટર પર ગેરહાજર હતા. પરંતુ તેમના મૃત્યુના દુખદ સમાચાર આવશે તેની કલ્પના ન હતી. ઓમ શાંતિ.