નવી દિલ્હીઃ ભારતે ગગનયાન મિશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી વર્ષે ભારતીય મૂળના એક અથવા બે લોકો અંતરિક્ષમાં જશે. આ વાતની માહિતી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના રાજ્યપ્રધાન ડોક્ટર જિતેન્દ્ર સિંહે આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારી ગગનયાનની તૈયારી પૂરી થઈ ચૂકી છે. જોકે એ પહેલાં આ વર્ષના અંતમાં પહેલી ટ્રાયલ ખાલી હશે અને બીજામાં એક મહિલા રોબોટ (અંતરિક્ષ યાત્રી)ને મોકલવામાં આવશે. એનું નામ વ્યોમમિત્ર રાખવામાં આવ્યું છે. આ બંને મિશનને આધારે ત્રીજા મિશનમાં આપણા અંતરિક્ષ યાત્રી જઈ શકશે.
જોકે પહેલી ટ્રાયલ વર્ષ 2022માં હવે પછી થશે. વર્ષના અંતે વ્યોમમિત્ર રોબોટ મોકલવામાં આવશે. આ રોબોટ ઇસરોએ વિકસિત કર્યો છે. વડા પ્રધાને વર્ષ 2018માં એક ભાષણમાં કહ્યું હતું કે વર્ષ 2022 સુધી કોઈ પણ ભારતીય અંતરિક્ષ યાત્રી ગગનયાનની સવારી કરી શકશે. ગગનયાન માટે ભારતીય એર ફોર્સના ચાર પાઇલટોએ રશિયામાં ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. આમાં એક ગ્રુપ કેપ્ટન છે અને બાકીના ત્રણ વિંગ કમાન્ડર છે. એને ગગનનોટ્સ કહેવામાં આવશે. આ લોકોને મોસ્કોની પાસે જિયોજની શહેરમાં સ્થિત રશિયન સ્પેસ ટ્રેનિંગ સેન્ટરમાં એસ્ટ્રોનોટ્સ બનાવવાની તાલીમ આપવામાં આવશે.
જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ ગગનયાન લોન્ચ માટે 500થી વધુ ઇન્ડસ્ટ્રી સામેલ છે. એના માટે રિસર્ચ મોડ્યુલ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતમાં નિર્મિત રિસર્ચ મોડ્યુલ પણ સામેલ છે. આ મિશનનો ખર્ચ રૂ. 10,000 કરોડ થયો છે.