નવી દિલ્હીઃ ભયાનક એવા કોવિડ-19 રોગચાળાની લહેરને કારણે મહિનાઓ સુધી ઘરમાં બેસી રહ્યાં બાદ દેશભરમાં વધુ ને વધુ લોકો હવે વિમાન પ્રવાસ કરવા લાગ્યા છે. આને કારણે જેટ ફ્યુઅલની માગમાં ઉછાળો આવ્યો છે. હાલ ચાલી રહેલા કોરોના રોગચાળાના સંકટે ઓઈલ ઉત્પાદનને સૌથી માઠી અસર પહોંચાડી છે. કોવિડ નિયંત્રણો હળવા બનાવાતાં જ ગોવાના દરિયાકિનારાઓ, આગરાનો તાજમહેલ, ઉત્તર ભારતના હિલ સ્ટેશનો, શ્રીનગરનું દાલ સરોવર, જયપુરના રાજવી મહેલો, મુંબઈનું ગેટવે ઓફ ઈન્ડિયા વગેરે સ્થળોએ ફરવા જતા લોકોની સંખ્યા વધવા લાગી છે. વિમાનો અને મોટરકારોમાં પ્રવાસ કરવા માટેની ડીમાન્ડ સતત વધી રહી છે. એર ટ્રાવેલમાં તો તીવ્ર ઉછાળો આવ્યો છે, એમ ભારતની સૌથી મોટી ટ્રાવેલ એજન્ટ કંપની STICના ચેરમેન સુભાષ ગોયલ કહે છે. વાઈરસ-પૂર્વેના સ્તરની સરખામણીમાં આ મહિને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 75 ટકા જેટલી ભરાઈ જવાની ધારણા છે.
ભારતમાં રસીકરણ ઝુંબેશ હિટ સાબિત થયો છે. દેશમાં પુખ્ત વયનાં લોકોની કુલ વસ્તીના લગભગ અડધા ભાગનાં લોકોએ કોરોના-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. જુલાઈ મહિનામાં 50 લાખથી વધારે લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસ કર્યો હતો. આ આંકડો જૂન કરતાં 61 ટકા વધારે હતો. ઓગસ્ટમાં તે આંકડો વધારે ઊંચો હોવાની ધારણા છે. આને કારણે જેટ ફ્યુઅલનું વેચાણ વધી રહ્યું છે. ઓગસ્ટની 1-15 તારીખ દરમિયાન જેટ ઈંધણના વેચાણમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે, જે 2020ના ઓગસ્ટ કરતાં 48 ટકા વધારે છે. જોકે 2019ની સરખામણીએ તે હજી 45 ટકા ઓછું છે.