કોંગ્રેસના કાર્યક્રમમાં બાંગ્લાદેશનું ‘રાષ્ટ્રગાન’ ગવાતાં વિવાદ

નવી દિલ્હીઃ આસામના શ્રીભૂમિ જિલ્લામાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ‘આમાર સોનાર બાંગ્લા’ ગવાતો વિડિયો સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલું આ ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન પણ છે. ભાજપે તેની ટીકા કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસ ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો માર્ગ સરળ કરી રહી છે.

આસામ ભાજપે X પર લખ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ બાંગ્લાદેશે એક નકશો જાહેર કર્યો હતો, જેમાં પૂર્વોત્તર ભારતના ઘણા ભાગો સમાવાયા છે અને હવે કોંગ્રેસ એ જ દેશનું રાષ્ટ્રગાન આસમમાં ગાઈ રહી છે. જો કોઈ આ એજન્ડા નથી સમજી શકતો, તો તે આંખો બંધ કરીને બેઠો છે અથવા પછી તેની મિલીભગત છે.

આસામના મંત્રી અશોક સિંહલે પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે પાર્ટી લાંબા સમયથી “ગેરકાયદે મિયા ઘૂસણખોરો”ને આશ્રય આપતી આવી છે, જેથી વોટ બેંકના રાજકારણ દ્વારા રાજ્યની જનગણતરી બદલી શકાય. તેમણે કહ્યું હતું કે હવે સ્પષ્ટ છે કે કોંગ્રેસનો હેતુ ‘ગ્રેટર બાંગ્લાદેશ’ની રાહ સરળ કરવાનો છે.

શ્રીભૂમિ, જેને પહેલાં કરીમગંજ કહેવામાં આવતું હતું, બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલું છે અને બરાક ઘાટીનો ભાગ છે, જ્યાં બાંગ્લાભાષીઓ બહુમતીમાં છે. અત્યાર સુધી કોંગ્રેસે આ વિવાદ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

ભારતના વિભાજન પછી બંગાળનો મુસ્લિમ બહુલ ભાગ પાકિસ્તાનમાં ગયો, જેને પૂર્વી પાકિસ્તાન કહેવાતું. પૂર્વી પાકિસ્તાનમાં મોટા ભાગની વસ્તી બાંગ્લા ભાષી હતી. પશ્ચિમી પાકિસ્તાનમાં પંજાબી બોલનારા પ્રભુત્વ ધરાવતા હતા, જેના વિરોધરૂપ પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ હતો. વર્ષ 1971માં પૂર્વી પાકિસ્તાને પોતાને પાકિસ્તાનથી મુક્ત જાહેર કરી ‘બાંગ્લાદેશ’ નામે અલગ રાષ્ટ્ર બનાવ્યું. બાંગ્લાદેશે બાંગ્લા અસ્મિતા અને સંસ્કૃતિનું પ્રતિક રહેલા આ ગીતને પોતાનું રાષ્ટ્રગાન સ્વીકાર્યું હતું.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના હિંસક સંઘર્ષ દરમિયાન લાખો બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં આવીને વસ્યા. આસામની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી હોવાથી આસામમાં બાંગ્લાદેશી શરણાર્થીઓની ગેરકાયદે એન્ટ્રીનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વ શર્મા ઘણી વાર દાવો કરી ચૂક્યા છે કે આસામની ડેમોગ્રાફી બદલાઈ ચૂકી છે.