110 યુનિકોર્નની સાથે ભારત ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 110 યુનિકોર્નની સાથે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોલોજી તરીકે ઊભર્યું છે. સ્ટાર્ટઅપ મેટ્રો સિટી સુધી સીમિત નથી, એ હવે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. ભારત ત્રીજા કાર્યકાળમાં વિશ્વનું સૌથી ત્રીજું અર્થતંત્ર બનશે, એમ તેમણે કહ્યું હતું.

દેશના યુવાઓએ રોજગાર માગવાને બદલે રોજગાર પેદા કરવાવાળો રસ્તો પસંદ કર્યો છે. દેશમાં 1.25 લાખ થી વધુ સ્ટાર્ટઅપ છે. એમાંથી 110 યુનિકોર્ન બની ચૂક્યા છે. મહિલાઓની પાસે 45 ટકા સ્ટાર્ટઅપની કમાન છે. ભારતે ટેક્નોલોજીનું લોકતંત્રીકણ કરી દીધું છે. આ ક્ષેત્રમાં સાધન-સંપન્ન અને વંચિતનો સિદ્ધાંત કામ નથી કરતો. અંતરિમ બજેટમાં સંશોધન માટે ઘોષિત રૂ. એક લાખ કરોડના ફંડથી જેતે ક્ષેત્રોને મદદ મળશે.

સ્ટાર્ટઅપ દેશની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે નવા વિચારોને મંચ આપ્યો અને ઉદ્યોગ સાહસિકો અને એકમોને નાણાકીય ફંડથી સાંકળ્યા. એનાથી દેશ ગર્વથી કહી શકે છે કે અમારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર મોટા મેટ્રો શહેર સુધી સીમિત નથી. દેશની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ દેશના નાનાં શહેરોના યુવા કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ માત્ર બેંગલુરૂ ઊભા થાય છે એમ માનવાની જરૂર નથી. દેશના ૬૦૦ જીલ્લામાંથી ૧.૨૫ લાખ સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. દશ વર્ષ પહેલાં માંડ ૧૦૦ સ્ટાર્ટઅપ હતા, તે આજે સવા લાખ ઉપર પહોંચ્યા છે.