નવી દિલ્હીઃ પડોશના શ્રીલંકા દેશમાં વીજળીની તંગીની અભૂતપૂર્વ સમસ્યા સર્જાઈ છે. ટાપુરાષ્ટ્રમાં વીજસંકટ તથા મોંઘવારીથી પરેશાન થયેલા લોકો રોષે ભરાયા છે અને સરકારની વિરુદ્ધમાં રસ્તાઓ પર ઉતરી આવે છે, હિંસાત્મક દેખાવો કરે છે. વિરોધ દર્શાવવા રવિવાર, 3 એપ્રિલે યોજાનાર દેશવ્યાપી વિરોધ-આંદોલનને ધ્યાનમાં લઈને સરકારે દેશભરમાં 36-કલાકનો કર્ફ્યૂ ગઈ કાલથી જ લાગુ કરી દીધો છે, જે સોમવાર સુધી અમલમાં રહેશે. પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાએ તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે ગઈ કાલે સમગ્ર દેશમાં જાહેર ઈમર્જન્સી પણ ઘોષિત કરી દીધી છે. 2 કરોડ 20 લાખ જેટલી વસ્તી ધરાવતા શ્રીલંકામાં દરરોજ 13-13 કલાક સુધી અંધારપટ રહે છે. શ્રીલંકા દેશે ઈંધણની કરેલી આયાતની સામે નાણાં ચૂકવણીની જવાબદારી નિભાવવા પર્યાપ્ત વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે શ્રીલંકા સરકાર મથામણ કરી રહી છે.
શ્રીલંકામાં સર્જાયેલી સમસ્યામાં દેશની જનતાને મદદરૂપ થવા ભારત સરકાર આગળ આવી છે. તેણે શ્રીલંકાને ઈંધણ સહાયતા તરીકે 50 કરોડ ડોલરની ઓઈલ લાઈન ઓફ ક્રેડિટ (LoC)નો એક હિસ્સો વધારી આપ્યો છે. ભારતે શ્રીલંકાને છેલ્લા 50 દિવસોમાં બે લાખ મેટ્રિક ટન જેટલું ઈંધણ સપ્લાય કર્યું છે.
કોલંબોસ્થિત ભારતીય હાઈકમિશનના જણાવ્યા મુજબ, ભારત તરફથી શ્રીલંકાને વધારે ઈંધણ પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. 50 કરોડ ડોલરની લાઈન ઓફ ક્રેડિટ દ્વારા ભારતીય સહાયતા અંતર્ગત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી 40 હજાર મેટ્રિક ટન ડિઝલ (GasOil) ધરાવતું સમુદ્રી ટેન્કર શ્રીલંકાને મોકલવામાં આવ્યું છે. આ ઈંધણ ધરાવતું કન્સાઈનમેન્ટ ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ કોલંબોસ્થિત શ્રીલંકાના ઊર્જા પ્રધાન ગામિની લોકૂગેની ઉપસ્થિતિમાં સુપરત કર્યું હતું. LoC અંતર્ગત ભારતે શ્રીલંકાને આ ચોથું કન્સાઈનમેન્ટ મોકલ્યું છે.
