નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત રામરાજ્યની દિશામાં આગળ વધી રહ્યું છે અને સરકાર ખેડૂતો, મજૂરો, મહિલાઓ તથા યુવાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. તેમણે એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે સરકાર ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા આદર્શોને માર્ગે ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થઈ રહ્યો છે આપણે ભગવાન રામ દ્વારા નિર્ધારિત આદર્શોને માર્ગે ચાલવા માટે સક્ષમ છે. અમે ખેડૂતો, મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
સિંહ ભૂતપૂર્વ અધિકારી ધીરજ ભટનાગર દ્વારા રામચરિતમાનસના સરળ હિન્દી કાવ્યાનુવાદના વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તમને અસમંજસમાં મૂકવા નથી ઇચ્છતો. હું એમ નહીં કહું કે અમે દેશમાં રામ રાજ્યનો પ્રારંભ કર્યો છે, પરંતુ એ દિશામાં આગળ વધી ચૂક્યા છીએ. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હેઠળ વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.
તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર બોલતું હતું, ત્યારે એને ગંભીરતાથી કોઈ નહોતું લેતું, પણ આજે ભારતનું કદ વધ્યું છે. ભારતનું સન્માન વધ્યું છે. આજે ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈક કહે છે તો વિશ્વ એને સાંભળે છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે ભગવાન રામની જીવનગાથાએ સરકાર માટે એક માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.