નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં બોર્ડર પર ભારત અને ચીનની સેના આમને સામને ઉભી છે. તણાવ ચરમ સીમાએ છે પરંતુ આ તણાવ આગળ ન વધે તે માટે રાજનૈતિક, કૂટનીતિક અને વાતચીતનો રસ્તો પણ કાઢવામાં આવી રહ્યો છે ત્યારે આજે બન્ને સેનાઓ વચ્ચે ચૂસૂલ-મોલ્ડો નામની જગ્યાએ વાતચીત થશે. ભારત દ્વારા લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ વાતચીતની કમાન સંભાળશે. ચીન તરફથી તિબેટ મિલિટ્રીના કમાન્ડર આવશે. જો કે, આ પહેલા ક્ષેત્રીય સૈન્ય સ્તર પર ઘણીવાર વાતચીત થઈ ચૂકી છે પરંતુ આ નવા વિવાદનું સમાધાન કંઈ જ આવ્યુ નથી.
- પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય પ્રતિનિધિમંડળ ચીન પર પૂર્વી લદ્દાખ બોર્ડર પર પહેલા જેવી સ્થિતિ માટે દબાણ કરશે.
- આ સાથે જ એ જગ્યા પર ચીની સૈનિકો મોટાપાયે તેનાતી અને ભારત દ્વારા પોતાની સીમાની અંદર નિર્માણ કાર્યનો વિરોધ કરવાની વાત પણ આ એજન્ડામાં સમાવિષ્ઠ છે.
- ભારતનું કહેવું છે કે, ચીનની સેના ભારતીય સૈનિકોને લદ્દાખ અને સિક્કિમમાં સામાન્ય પેટ્રોલિંગ માટે પણ રોકે છે.
- આ સાથે જ ભારતે ચીનના એ આરોપોનું પણ ખંડન કર્યું છે કે, જેમાં કહેવાયું છે કે ભારતીય સેનાએ જ ચીનની બોર્ડરમાં અંદર ઘુસીને તણાવને વધારવાનું કામ કર્યું છે.
- ભારત અને ચીન વચ્ચે 5 મુખ્ય જગ્યાઓને લઈને વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે કે જે બોર્ડરની પાસે છે.
- આ વખતે લદ્દાખની વચ્ચે પૈંગાગ લેક વિસ્તારમાં બન્ને સેનાના જવાનો વચ્ચે 5 અને 6 મે મેના રોજ ઘર્ષણ થયું હતું.
- આ દરમિયાન કેટલાક સમાચારો એવા પણ આવ્યા કે, ચીનની સેના ભારતીય વિસ્તારમાં ઘુસી આવી છે. જેમાં પૈંગોગ લેક, ગલવાન અને ગોગરા પોસ્ટનો સમાવેશ થાય છે.
- આ સિવાય ચીનની સેનાની હરકતો ઉત્તરમાં દુલત બેગ ઓલ્ડી ઓરિયામાં પણ વધી ગઈ છે. હકીકતમાં આ વખતે ચીન ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહેલા નિર્માણ કાર્યને લઈને ચિંતામાં છે.
- ભારત પૈંગોગ લેકની પાસે ફિંગર એરિયામાં અને ગલવાન ઘાટીમાં એક રોડ બનાવી રહ્યું છે કે જે સેના માટે કનેક્ટિંગ રોડ છે. આ રોડ દ્વારા સૈન્યનો સામાન પહોંચાડવામાં સરળતા રહેશે.
- ચીનની નજર પહેલાથી આ વિસ્તાર પર રહી છે અને તેને લાગે છે કે, ભારતના આ નિર્માણ કાર્ય બાદ ભારતની સ્થિતિ મજબૂત બની જશે. પૈંગાગના ફિંગર એરિયામાં બની રહેલા રોડ ભારતીય સેનાની દ્રષ્ટીએ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી આ વિસ્તારમાં તેના માટે દેખરેખ કરવી સરળ થઈ જશે.