ઇન્ડિયા ગઠબંધનનો પેચ ફસાયો બંગાળ-બિહારમાં?

નવી દિલ્હીઃ બિનભાજપી રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સૌથી મહત્ત્વનાં રાજ્યોમાંનું એક છે, કેમ કે અહીં લોકસભાની 41 સીટ છે, જ્યાં કોંગ્રેસે માત્ર એક સીટ પાછલી ચૂંટણીમાં જીતી શકી છે. એ કારણને લીધે કોંગ્રેસ ભાવતાલ કરવાની સ્થિતિમાં નથી અને TMCને એડવાન્ટેજ છે. એટલે જ બંને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર નિવેદનો કર્યા કરે છે. કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીના બંગાળ CM પરનાં નિવેદનો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધારી રહ્યાં છે.

હાલમાં રાહુલ ગાંધીએ TMCની સાથે સીટ શેરિંગના સવાલ પર કહ્યું હતું કે મમતાજી સાથે મારા સંબંધો છે. બંને પક્ષો વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે, પણ હજી નક્કર વાત નથી બની. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ બંગાળમાં માત્ર બે સીટો આપવા ઇચ્છે છે, જ્યારે લેફ્ટને આ ગઠબંધનથી બહાર રાખવા ઇચ્છે છે. હવે જોવું રહ્યું કે બંને પક્ષો કયો રસ્તો કાઢે છે?

બીજી બાજુ, 40 લોકસભાની સીટોવાળા બિહારમાં મહાગઠબંધનની સરકાર છે. JDU, RJD અને કોંગ્રેસ સતત સહમતી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ કોંગ્રેસની RJD સાથેની એક બેઠક પર JDUએ દિલ્હીમાં કોઈ સત્તાવાર બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. સૂત્રો અનુસાર JDU 17 સીટો પર દાવેદારી કરી રહી છે અને પક્ષનું કહેવું છે કે બાકીની સીટો પર RJD અને કોંગ્રેસ તાલમેલ કરી લે.