નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરવાના વિરોધ પક્ષોના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો. વડા પ્રધાન જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા- ત્રણ દિવસની યાત્રા પૂરી કર્યા બાદ દિલ્હી પહોંચ્યા હતા. ભાજપાધ્યક્ષ અને અન્ય નેતાઓ સહિત સેંકડો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
હાલ સિડનીમાં કાર્યક્રમમાં વડા પ્રધાનને સાંભળવા માટે 20,000થી વધુ લોકો તેમને ઊમટી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન પણ એ સમારોહમાં હાજર હતા. ત્યાં વિપક્ષ અને સત્તા પક્ષના સાંસદ હતા, એ બધાએ એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોરોના રોગચાળો જ્યારે પિક પર હતો, ત્યારે વિદેશમાં કોવિડ વેક્સિનની નિકાસ કરવા માટે કેન્દ્ર પર સવાલ ઉઠાવવા બદલ વડા પ્રધાને વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું હતું કે સંકટના સમયે વિપક્ષે પૂછ્યું હતું કે મોદી વિશ્વને રસી કેમ આપી રહ્યા છે? આ બુદ્ધની ભૂમિ છે, આ ગાંધીની ભૂમિ છે. આપણે આપણા દુશ્મની પણ ચિંતા કરીએ છીએ. આપણે કરુણાસભર લોકો છીએ.
વડા પ્રધાન મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાના છે. વિરોધ પક્ષોનો તર્ક છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપિતને હસ્તે કરવામાં આવવું જોઈએ. વિરોધ પક્ષોએ એનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. 20 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહના બહિષ્કારનું એલાન કર્યું છે.ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. સંસદ જે દિવસે રાષ્ટ્રને સમર્પિત થશે. એ દિવસે તામિલનાડુથી આવેલા વિદ્યાનો દ્વારા સેંગોલ વડા પ્રધાનને આપવામાં આવશે,. એ પછી એ સંસદમાં કાયમી સ્થાપિત થશે.


