‘કાળા જાદુ’ને નામે સ્કૂલવાળાઓએ ચઢાવ્યો વિદ્યાર્થીનો બલિ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં માનવતાને શરમમાં મૂકે એવી ઘટના બની છે. તંત્ર-મંત્ર અને કાળા જાદુ માટે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. અહીં સ્કૂલની પ્રગતિ માટે ડિરેક્ટર અને તેના તાંત્રિક પિતાએ ધોરણ બેના નવ વર્ષના વિદ્યાર્થીનો બલિ ચઢાવી દીધો છે. ડિરેક્ટરના પિતાનું માનવું હતું કે તંત્ર-મંત્ર અને કોઈ બાળકની બલિ આપવાથી સ્કૂલની પ્રગતિ થશે. ડિરેક્ટર અને એના તાંત્રિક પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થીનો મૃતદેહ આગરાથી 35 કિલોમીટર દૂર સાદાબાદ વિસ્તારમાં સ્કૂલ ડિરેક્ટરની કારમાં મળ્યો હતો. ASP અશોકકુમારે કહ્યું હતું કે સ્કૂલ ડિરેક્ટર દિનેશ બઘેલ, તેના પિતા જશોધન સિંહ અને સ્કૂલ શિક્ષકો રામ પ્રકાશ સોલંકી, વીરપાલ સિંહ ને લક્ષ્મણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા પાછળ કાળા જાદુની યોજના હતી, એટલે કે ડિરેક્ટર અને શિક્ષકોનું માનવું હતું કે વિદ્યાર્થીના બલિ આપવાથી સ્કૂલની પ્રસિદ્ધિ મળશે અને ડિરેક્ટરના પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્કૂલના એક રૂમમાંથી એક દોરડું મળ્યું છે, ધાર્મિક ફોટો અને ચાવી પણ મળ્યાં છે. ડિરેક્ટરના પિતા એક અનુષ્ઠાન કરવાના હતા, જેથી બાળકનો બલિ એમાં ચઢાવવાનો હતો, પણ વિદ્યાર્થી અડધી રાતે જાગી જતાં અને રડતાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.

ડિરેક્ટરના પિતા જાદુ-ટોણામાં વિશ્વાસ કરતા હતા અને તેમણે તેમના પુત્ર (ડિરેક્ટર)ને એક સગીર બાળકનો બલિ ચઢાવવાની સલાહ આપી હતી, પણ યોજના સફળ ના થઈ શકી. પિતાથી પૂછપરછ દરમ્યાન તેણે જઘન્ય ગુનાની કબૂલાત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.