નવી દિલ્હીઃ દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કે. કવિતાને શરતી જામીન આપ્યા છે. કોર્ટે ED અને CBI –બંને કેસોમાં તેમને શરતી જામીન આપ્યા છે. તેમણે પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરવાનો રહેશે. એ સાથે બંને કેસોમાં તેમણે રૂ. 10-10 લાખના બોન્ડ પણ ભરવાનાં રહેશે. હાલમાં જ હજી આપ નેતા મનીષ સિસોદિયાને 19 મહિના બાદ જામીન મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કવિતાને પુરાવા સાથે છેડછાડ ન કરવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જામીન આપતાં સ્પષ્ટતા કરી હતી કે મેરિટ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. જેથી ટ્રાયલ પર કોઈ અસર નહીં પડે. કવિતા આશરે પાંચ મહિનાથી જેલમાં બંધ હતાં. ED અને CBIએ સિસોદિયા અને દિલ્હીના CM કેજરીવાલની તરફથી કવિતાની ભૂમિકા પણ કથિત લિકર કૌભાંડમાં મહત્ત્વની હોવાનું જણાવ્યું છે.
જોકે તપાસ એજન્સીઓએ જામીન અરજીનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે BRS નેતા કવિતાએ મોબાઇલ ફોન ફોર્મેટ કરી કીધો છે અને પુરાવા સાથે છેડછાડ કરી છે. જ્યારે કવિતાએ કહ્યું કે મોબાઈલ ફોન ફોર્મેટ કરવાનો આરોપ ખોટો છે. સુપ્રીમ કોર્ટે સામે તપાસ એજન્સીઓને પ્રશ્ન કર્યો છે કે તમારી પાસે શો પુરાવો છે કે BRS નેતા કવિતા આ ગુનામાં સંડોવાયેલા છે.
કવિતા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જામીનની અપીલ કરતાં કહ્યું હતું કે કવિતા વિરુદ્ધ બંને એજન્સીઓએ તપાસ પૂર્ણ કરી છે. બંને મામલામાં આરોપી અને આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાના સુપ્રીમ કોર્ટનો હવાલો પણ આપ્યો હતો.