ઈશાન-ભારતના વિકાસ માટે સરકારે જાપાનનો સાથ લીધો

નવી દિલ્હીઃ ભારતને લદાખ સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન સાથે ઘર્ષણ ચાલે છે ત્યારે કેન્દ્ર સરકારે દેશના ઈશાન ભાગમાં વિકાસને લગતી પ્રવૃત્તિઓ વધારવા પર ધ્યાન આપવા માંડ્યું છે. જેમ કે બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બાંધવામાં આવનાર છે. હવે સરકારે ઈશાન ભારતના રાજ્યોમાં મોટા પાયે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જાપાનની લીધી છે. ઈશાન ભારતમાં બધા હાઈવેની હાલત સુધારવા, વન્યજીવન અને પર્યાવરણનું રક્ષણ કરવા, પાણી પૂરવઠાની સ્થિતિ તેમજ માનવ સંસાધનોની કાર્યક્ષમતા વધારવા સહિતના વિકાસકાર્યોમાં જાપાન ભારતને મદદ કરશે. બંને દેશ સાથે મળીને મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની હાલત સુધારશે, મેઘાલયમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ નાખશે, સિક્કીમ, નાગલેન્ડ, ત્રિપુરા, મેઘાલયમાં વન્યજીવન-પર્યાવરણનું રક્ષણ કરશે, આસામમાં પાણી પૂરવઠાની સ્થિતિ સુધારશે.

કેન્દ્રના ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટર્ન રીજન (DoNER) ખાતાના પ્રધાન જિતેન્દ્ર સિંહ અને જાપાનના ભારતસ્થિત રાજદૂત કેન્જી હિરામાત્સુની આગેવાની હેઠળના એક જાપાની પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં આ માટે બેઠક થી હતી. તેમાં એવું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતના ઈશાન ભાગના રાજ્યોમાં અનેક વર્તમાન તેમજ નવા પ્રોજેક્ટોમાં જાપાનની સરકાર રૂ. 13,000 કરોડનું મૂડીરોકાણ કરશે.