‘ભારતમાં કોરોનાનો સૌથી-ખરાબ સમય વીતી ગયો છે’

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કોરોના વાઈરસ રોગચાળો અને તેની રસીની પ્રક્રિયા વિશે કેટલીક મહત્ત્વની વાતો કરી છે. એમણે કહ્યું છે કે ભારતમાં આ રોગચાળા સંબંધિત સૌથી ખરાબ સમયગાળો વીતી ગયો છે, પરંતુ સાવચેતી રાખવી હજી જરૂરી છે. કોરોના બીમારીની પરિસ્થિતિ પર હું ગઈ 30 જાન્યુઆરીમાં પહેલો કેસ બન્યો હતો ત્યારથી સતત નિરીક્ષણ રાખતો રહ્યો છું. એના આધારે તેમજ છેલ્લા ત્રણ-ચાર મહિનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં હું કહી શકું કે ખરાબ સમય દૂર થઈ રહ્યો છે.

એએનઆઈ સમાચાર સંસ્થાને આપેલી ખાસ મુલાકાતમાં ડો. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં હવે કોરોનાના માત્ર ત્રણ લાખ જેટલા સક્રિય કેસ છે. ભારતનો રીકવરી રેટ 95-96 ટકા છે, જે ઘણા વિકસીત દેશો કરતાંય ઊંચો છે. ભારતમાં કોરોના રસી મૂકવાની શરૂઆત આવતા જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી કરી શકાશે એવું મારું માનવું છે. નાગરિકોની સુરક્ષા સરકારને પ્રાથમિકતા રહેશે. કોરોના રસી મૂકાવવી ફરજિયાત નહીં હોય. રસી મૂકાવવાની કોઈને ફરજ પાડી શકાય નહીં. સરકાર એ માટે લોકોને જાગૃત કરશે. રસી કોને પહેલા મૂકવી એ વિશે સરકાર આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખશે.