આંદોલનકારી ખેડૂતોએ મોદીને પત્ર લખી સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં છેલ્લા 25 દિવસથી દિલ્હીના સીમા વિસ્તારોમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સંગઠન ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરને પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે એમનું હાલનું આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી.

ઉક્ત સંગઠને મોદી અને તોમરને હિન્દીમાં અલગ અલગ રીતે પત્રો લખ્યા છે. એમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોનું આંદોલન વિરોધ પક્ષોના ઈશારે ચલાવવામાં આવી રહ્યું છે એવું સરકારનું માનવું ખોટું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ ગયા શુક્રવારે એક સંબોધનમાં વિરોધ પક્ષો પર આરોપ મૂક્યો હતો કે તેઓ ખેડૂતોને ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ગેરમાર્ગે દોરે છે. ખેડૂતોના 40 જૂથોના બનેલા ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી સંગઠને તેના પત્રમાં મોદીને લખ્યું છે કે તમારો આ દાવો ખોટો છે.