7 રાજ્યોમાં ચાર-દિવસ સુધી ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ કેરળમાં ગયા અઠવાડિયે ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. ત્રણ જિલ્લામાં ગઈ કાલે રેડ એલર્ટ ઘોષિત કરાયું હતું. ભારતીય હવામાન વિભાગના નવા વેધર બુલેટિનમાં આગાહી કરાઈ છે કે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવતા 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

કેરળમાં આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કર્ણાટકમાં દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે પણ આવી જ આગાહી કરાઈ છે. તામિલનાડુમાં 18 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. ગોવામાં પણ આજે તથા આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આંધ્ર પ્રદેશમાં 17 અને 18 નવેમ્બરે અતિ ભારે વરસાદ પડી શકે છે. એ દિવસોમાં કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઓડિશા રાજ્યના દક્ષિણ ભાગોમાં રહેતા લોકોને ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. માછીમારોને 16 અને 18 નવેમ્બર વચ્ચેના દિવસોએ દરિયામાં માછીમારી માટે ન જવાની ચેતવણી અપાઈ છે.