નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફરી દિલ્હીની નંબર-1 હોસ્પિટલ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાતે એમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. એમને રાતે લગભગ 11 વાગ્યે કોવિડ-બાદના ઉપચાર માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહની તબિયત સ્થિર છે. એમને વીવીઆઈપી વ્યક્તિઓ માટે અનામત રખાયેલા CN ટાવરમાં રાખવામાં આવ્યા છે. ત્યાં AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા એમની સારવાર કરી રહ્યા છે. હજી બે અઠવાડિયા પહેલાં જ શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
55-વર્ષીય અમિત શાહનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવતા ગઈ 18 ઓગસ્ટે એમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 46 લાખથી વધારે લોકો બીમાર પડી ચૂક્યા છે.
અમિત શાહને ગઈ બીજી ઓગસ્ટે ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલ મેદાંતામાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે એમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 14 ઓગસ્ટે એમણે ટ્વીટ કર્યું હતું કે ડોક્ટરોની સલાહ અનુસાર એમણે થોડાક વધારે દિવસો માટે હોમ ક્વોરન્ટાઈન થવું પડશે.
થાક લાગતો હોવાની અને શરીરમાં કળતર થતી હોવાની ફરિયાદ કર્યા બાદ અમિત શાહને 18 ઓગસ્ટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં 13 દિવસ સુધી રહ્યા બાદ 31 ઓગસ્ટે એમને રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન શાહ સાજા થઈ ગયા છે.
હજી ત્રણ દિવસ પહેલાં જ અમિત શાહે કોરોના વાઈરસ રોગચાળાને એક અભૂતપૂર્વ પડકાર તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ દેશ આ રોગચાળા સામે આયોજનબદ્ધ જંગ ખેલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવશે. સભ્યોએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે.
દેશમાં 785 સંસદસભ્યોમાંથી 200 જણ 65 વર્ષથી ઉપરની વયના છે. ઓછામાં ઓછા સાત કેન્દ્રીય પ્રધાનો અને બે ડઝન જેટલા સંસદસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો