હિમાચલ પ્રદેશમાં સરેરાશ 74.6કા મતદાન

શિમલાઃ હિમાચલ પ્રદેશની 68 વિધાનસભાની ચૂંટણીમાં સાંજે પાંચ કલાકે મતદાન પૂરું થયું છે. મતદાન કેન્દ્રોની અંદર રહેલા લોકોને હજી પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં 74.6 ટકા મતદાન થયું છે, જે પાછલાં વર્ષોની તુલનાએ સૌથી વધુ છે. હિમાચલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આઠ ડિસેમ્બરે આવશે. મતદાન કેન્દ્રો પર EVM અને VVPATને સીલ કરીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે.

વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર ટશીગંગમાં મતદાતાઓએ ઇતિહાસ રચ્યો છે. ટશીગંગમાં 100 ટકા મતદાન થયું છે. અહીં કુલ 52 મતદાતાઓ છે અને બધાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.  હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભાની બેઠકો માટે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી મતદાન થયું હતું. રાજ્યમાં મતદાન માટે 7881 મતદાન કેન્દ્રોમાં લોકોએ મતદાન કર્યું હતું.રાજ્યના મુક્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે કહ્યું હતું કે મતદાન દરમ્યાન ગરબડીની કોઈ ફરિયાદ નથી મળી. વધારાના મુખ્ય ચૂંટણી અધિકારી દલિપ નેગીએ કસુમ્પટી વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. ચૂંટણી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓએ વારાફરતી મતદાન કર્યું હતું.

મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મોટી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે દાવો કર્યો હતો કે હિમાચલ પ્રદેશમાં આ વખતે બહુમતની સાથે તેમની પાર્ટી સરકાર બનાવશે.

રાજ્યમાં કુલ 55 લાખ મતદાતાઓ છે, જેમાં 27.80 લાખ પુરુષ મતદાતાઓ અને 27.27 લાખ મહિલા મતદાતાઓ છે. આ સિવાય રાજ્યમાં 56,001 મતદાતાઓ દિવ્યાંગ છે. જ્યારે 80 વર્ષના મતદાતાઓની સંખ્યા 1.22 લાખ છે. 1184 મતદાતાઓ એવા છે, જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓની સંખ્યા 67,532 છે.