શિમલાઃ 68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી શરૂ કરાયેલી મતગણતરીના ટ્રેન્ડ અનુસાર શાસક ભાજપના 32 ઉમેદવારો સરસાઈમાં હતા. જ્યારે કોંગ્રેસના 33 તથા 3 અપક્ષ ઉમેદવારો અન્ય બેઠકો પર આગળ હતા. કોઈ પણ પક્ષ કે પક્ષોના જોડાણને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 35 સીટ જીતવી પડે.
67 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખનાર આમ આદમી પાર્ટીએ સવારે 10.15 વાગ્યા સુધી ખાતું ખોલાવ્યું નહોતું.
વર્તમાન મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા જયરામ ઠાકુર સીરાજ બેઠક પર સરસાઈમાં હતા.
હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ગઈ 12 નવેમ્બરે મતદાન થયું હતું. આશરે 76.44 ટકા લોકોએ મતદાન કર્યું હતું. કુલ 412 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યાં છે, જેમાં 24 મહિલાઓ અને 99 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
2017ની ચૂંટણીમાં ભાજપે 44 અને કોંગ્રેસે 21 સીટ જીતી હતી.