ગુજરાત ચૂંટણી-2022 પરિણામઃ ભાજપ જ અત્ર તત્ર સર્વત્ર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપાર લોકપ્રિયતાનો ‘જાદુ’ ફરી કામ કરી ગયો છે. જનતાએ સતત સાતમી વાર રાજ્યની ધુરા ભારતીય જનતા પક્ષના જ હાથમાં રાખવાનો ચુકાદો આપ્યો છે. આજે સવારથી શરૂ કરાયેલી મતગણતરીમાં ટ્રેન્ડ અનુસાર ભાજપ વિક્રમસર્જક બેઠકો જીતીને પોતાની સત્તા જાળવી રાખવા તરફ અગ્રેસર હતો. તેના ઉમેદવારો 145 બેઠકો પર એમના હરીફો સામે સરસાઈમાં હતા. વિરોધ પક્ષોના સૂપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીના માત્ર 24 ઉમેદવારો સરસાઈમાં હતા જ્યારે આમ આદમી પાર્ટીના 9 તથા અન્ય પાર્ટીઓ કે અપક્ષના 4 ઉમેદવાર સરસાઈમાં હોવાનો અહેવાલ છે. ગુજરાતમાં ભાજપ સતત સાતમી વાર સરકાર બનાવવા તરફ અગ્રેસર છે. અગાઉની ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ 139 બેઠકો જીતવાનો વિક્રમ ધરાવે છે. આ વખતની ચૂંટણીમાં તે પોતાનો રેકોર્ડ તોડવા તરફ આગળ વધે છે.

ટ્રેન્ડ/પરિણામઃ

 • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર આગળ છે જ્યારે કોગ્રેસ 18 અને આપ 8 બેઠક પર આગળ છે.
 • ધોરાજીના કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી
 • જલાલપોર બેઠક પર ભાજપના આર.સી.પટેલ 56 હજાર મતથી આગળ, સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર આગળ છે. માણાવદર બેઠક પર કોગ્રેસના અરવિંદ લાડાણી આગળ છે. સાણંદ બેઠક પર ભાજપ આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન ગઢવી 3700 મતથી આગળ છે. લીમખેડા બેઠક પર ભાજપના શૈલેષ ભાભોર આગળ છે. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા આગળ છે.  થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી 14 હજાર મતથી આગળ છે.
 • થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી 14 હજાર મતથી આગળ છે
 • રાજકોટ કોગ્રેસના દિગ્ગજ નેતા અને ધોરાજીના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી. વસોયાએ કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે.
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ છે. આંકલાવ બેઠક પરથી કોગ્રેસના અમિત ચાવડા સતત પાછળ છે. વિજાપુર બેઠક પરથી કોગ્રેસના સી.જે.ચાવડા 1312 મતથી આગળ છે. વેજલપુર બેઠક પરથી ભાજપના અમિત ઠાકર 30 હજાર મતથી આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન 3800 મતથી આગળ છે.
 • ખંભાતના બેઠક પરથી કોગ્રેસના ચિરાગ પટેલ આગળ, મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃતિયા આગળ છે. ધારી બેઠક પર ભાજપના જે.વી.કાકડિયા આગળ છે. કડી બેઠક પરથી ભાજપના કરસન સોલંકી આગળ છે.
 • અમદાવાદમાં ઘાટલોડિયા મતવિસ્તારમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 19 હજાર 873 મતથી આગળ છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ 21 હજાર 968 મતથી આગળ. સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલ 17 હજાર 552 મતથી આગળ, વેજલપુરમાં અમિત ઠાકર 23 હજાર 346 મતથી અને વટવા બેઠક પર બાબુસિંહ જાદવ 7 હજાર 446 મતોથી આગળ છે.
 • અમદાવાદની મોટા ભાગની બેઠકો પર ભાજપ આગળ છે. કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી દરિયાપુર, બાપુનગર, દાણીલીમડા બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવારો આગળ છે.
 • જસદણમાં ભાજપના કુંવરજી બાવલીયા મોખરે છે.
 • ઉત્તર ગુજરાતમાં 32માંથી 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો મોખરે
 • ભાવનગરની ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો સરસાઈમાં છે. પૂર્વ બેઠક પર સેલજબેન પંડ્યા, રૂરલ બેઠક પર પરસોત્તમ સોલંકી અને પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી સરસાઈમાં છે.
 • વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ AAPના અમરસિંહ ઠાકોર સામે ફરી સરસાઈમાં આવી ગયા છે.
 • ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી ભાજપના આયર મૂળૂભાઈ બેરા સામે 2253 મતોથી આગળ થયા છે
 • અમરેલીમાં ભાજપનાં કૌશિક વેકરિયા કોંગ્રેસના પરેશ ધાનાણી સામે આગળ નીકળી ગયા છે.
 • ભાવનગર ગ્રામિણ બેઠક પર ભાજપના પરસોત્તમ સોલંકી સરસાઈમાં છે.
 • જામનગર ઉત્તર બેઠક પર ભાજપનાં રીવાસિંહ જાડેજા સરસાઈમાં છે.
 • જામનગરની ત્રણેય બેઠક – ઉત્તર, દક્ષિણ અને રૂરલ પર ભાજપનાં ઉમેદવારો સરસાઈમાં છે. રીવાસિંહ જાડેજા, દિવ્યેશ અકબરી અને રાઘવજી પટેલ
 • ડેડીયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સરસાઈમાં છે.
 • ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના અશ્વિન કોતવાલ સરસાઈમાં છે.
 • ઝઘડિયા બેઠક પર ભાજપના રીતેશકુમાર વસાવા સરસાઈમાં છે.
 • વરાછા રોડ બેઠક પર ભાજપના કિશોર કાનાણી સરસાઈમાં છે.
 • કતારગામમાં ભાજપના વિનોદ મોરડીયા સરસાઈમાં છે.
 • મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા શિવલાલ સરસાઈમાં છે.
 • કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા સરસાઈમાં છે.
 • પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખીરીયા આગળ છે.
 • ભાવનગર (પશ્ચિમ) બેઠક પર ભાજપના જીતેન્દ્ર વાઘાણી સરસાઈમાં હતા.
 • ગાંધીનગર (દક્ષિણ)માં કોંગ્રેસના ડો. હિમાંશુ પટેલ સરસાઈમાં હતા.

182-બેઠકોવાળી ગુજરાત વિધાનસભા માટે 1 અને પાંચ ડિસેમ્બર, એમ બે તબક્કામાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આજે સવારે 8 વાગ્યાથી આરંભ કરવામાં આવ્યો હતો. 33 જિલ્લાઓમાં 37 કેન્દ્રો ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ નિરીક્ષકો, 182 ચૂંટણી અધિકારીઓ અને 494 સહાયક ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતમાં 1 ડિસેમ્બરે 63.14 ટકા વોટિંગ થયું હતું જ્યારે પાંચ ડિસેમ્બરના બીજા તબક્કામાં 59.11 ટકા મતદાન થયું હતું.