નવી દિલ્હીઃ CM અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે. EDની દખલ પછી દિલ્હી હાઇકોર્ટે આ કેસની સુનાવણી પૂરી થવા સુધી તેમના જામીનને હાલપૂરતા અટકાવી દીધા છે. કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું કે નીચલી કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ્ડ પર રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાડ જેલમાંથી મુક્ત નહીં થાય. રાઉઝ એવન્યુ કોર્ટ ગુરુવારને રૂ. એક લાખના પ્રાઇવેટ મુચલકા પર કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં. EDએ તેમના જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટના આદેશની કોપી તેમને અત્યાર સુધી નથી મળી.
EDએ કેજરીવાલને જામીન આપનારા નીચલી કોર્ટના જામીનના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યા હતા. EDએ એસએલપીમાં કહ્યું હતું કે તપાસના મહત્ત્વના દોરમાં કેજરીવાલને જામીનથી તપાસમાં અસર પડશે, કેમ કે કેજરીવાલ CMના મહત્ત્વના પદે છે.
હાઇકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીની એ દલીલ ફગાવી દીધી હતી કે હવે સુનાવણી જરૂર નથી. જસ્ટિસ સુધીર જૈને કહ્યું હતું કે જ્યાં સુધી હાઇકોર્ટમાં સુનાવણી લંબિત છે, ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ પ્રભાવી નહીં થાય. EDના હાઇકોર્ટમાં જવાને મુદ્દે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે અત્યાર સુધી નીચલી કોર્ટનો આદેશ આવ્યો નથી કો કયા આધારે ED હાઇકોર્ટ પહોંચી છે?
દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ કેજરીવાલની ધરપકડ 21 માર્ચે કરી હતી. EDએ તેમને નવ વાર સમન્સ મોકલ્યા હતા, પણ તેમણે એક પણ સમન્સનો જવાબ નહોતો આપ્યો. ત્યાર બાદ તેમની EDએ ધરપકડ કરી હતી. હવે તેમને કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા, પણ હાઇકોર્ટે એના પર સ્ટે મૂક્યો હતો.