લખનઉઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જ્ઞાનવાપી પ્રાંગણમાં ASI સર્વેને જારી રાખવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ કોર્ટ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપચા મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે ASI સર્વે જરૂરી છે. કેટલીક શરતો હેઠળ એને લાગુ કરવાની આવશ્યકતા છે. મુસ્લિમ પક્ષે પહેલાં સુપ્રીમ કોર્ટ પછી હાઇકોર્ટમાં ASI સર્વેના ચુકાદાને પડકાર્યો હતો.
હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ASI સર્વે જલદી શરૂ કરે એવી શક્યતા છે. આ પહેલાં વારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર ASI સર્વેનો આદેશ આપ્યો હતો. જોકે ASIની ટીમે સર્વે પણ શરૂ કર્યો હતો, પણ મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સર્વે પર સ્ટે મૂકવાની સાથે અરજીકર્તાઓને હાઇકોર્ટ જવા નિર્દેશ આપ્યા હતા.આ અરજી વારાણસીની અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી વતી દાખલ કરવામાં આવી છે. 27 જુલાઈએ આ અંગેની સુનાવણીમાં ASIના એડિશનલ ડિરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું હતું કે સર્વે કરવાથી બાંધકામને કોઈ નુકસાન થશે નહીં. આમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ શશિ પ્રકાશ સિંહે પણ દાખલ કરવામાં આવેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો.
અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદના વરિષ્ઠ વકીલ એસએફએ નકવી અને પુનિત ગુપ્તાએ સર્વેક્ષણને કારણે બિલ્ડિંગ તોડી પડવાની આશંકા વ્યક્ત કરી હતી. તેણે ASI અધિકારીઓના ફોટા પણ બતાવ્યા હતા જેઓ કોદાળીના પાવડા સાથે આવતા હતા. આના જવાબમાં ASIના એડિશનલ ડિરેક્ટર જનરલે કહ્યું કે તેઓ ભોંયરામાં ઘણી જગ્યાએ એકઠા થયેલા કાટમાળને સાફ કરવા માટે કોદાળી અને પાવડા લાવ્યા હતા. પ્રાંગણમાં ખોદકામ કરવામાં આવશે નહીં.