નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી આજે તેનો 43મો સ્થાપના દિવસ ઉજવે છે. આ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. એમણે એમની આગવી શૈલીમાં કરેલા ભાષણમાં રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે ભાજપની તુલના ભગવાન હનુમાનજી સાથે કરી હતી. એમણે કહ્યું, હનુમાનજી દુષ્ટ લોકોનો નાશ કરે છે અને ભાજપ ભ્રષ્ટાચારનો નાશ કરે છે. દેખીતી રીતે જ આમ બોલવા પાછળ મોદીનો ઈશારો વિરોધીઓને હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ વિભાગો અત્યંત સક્રિય બની ગયા છે અને દેશભરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા છે. આમાં વિરોધપક્ષોના નેતાઓને ત્યાં સૌથી વધારે દરોડા પાડવામાં આવ્યા છે.