લોકડાઉન 2.0 દરમ્યાન કઇ છૂટછાટ મળશે?

નવી દિલ્હીઃ  દેશમાં સતત વધતા કોરોના વાઇરસના પ્રકોપને લીધે વડા પ્રધાને ત્રીજી મે સુધી લોકડાઉનની મુદતમાં વધારો કર્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ત્રીજી મે સુધી વધારવામાં આવ્યા પછી ગૃહ મંત્રાલયે ગાઇડલાઇન જારી કરી છે. સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી કરવા માટે આ ગાઇડલાઇન મુજબ 20 એપ્રિલથી કેટલાકં કામકાજમાં છૂટ આપવામાં આવશે.

મંત્રાલયે જારી કરેલા દિશા-નિર્દેશો અનુસાર કયાં ક્ષેત્રોમાં છૂટછાટ

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર મનરેગામાં બધાં કામો મંજૂરી, કૃષિ સંબંધિત બધાં કામકાજ, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલાં કામકાજમાં થોડીક છૂટછાટ, પશુપાલન સાથે જોડાયેલાં કામોમાં થોડીક રાહત, બેન્કિંગ કામકાજ, બધા અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, મહિલાશ્રમ, વિધવાશ્રમ વગેરેમાં છૂટછાટ તેમ જ ઓનલાઇન શિક્ષણ, જરૂરી ચીજવસ્તુઓની આવ-જા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડિયા, આઇટી અને આઇટી સંબંધિત સેવાઓ, ઈ-કોમર્સ કંપનીઓ, કુરિયર સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ, હોટલ અને લોજ વગેરેને ચીજવસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

લોકડાઉન દરમ્સાયાન સામાજિક-રાજકીય સમારોહ બંધ

ગૃહ મંત્રાલય દ્વારા દિશા-નિર્દેશોમાં બધા સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, ધાર્મિક સમારોહ, ધાર્મિક સ્થળ અને  પ્રાર્થના સ્થળ ત્રીજી મે સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે. આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન સિનેમા હોલ, મોલ્સ, શોપિંગ કોમ્પેલેક્સ, જિમ, રમતનાં મેદાનો, સ્વિમિંગ પૂલ અને બાર ત્રીજી મે સુધી બંધ રહેશે.

લોકોના આંતરરાજ્ય આવાગમન પર પણ પ્રતિબંધ

મંત્રાલયે જારી કરેલા દિશા-નિર્દેશ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ કેન્દ્ર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એર ફ્લાઇટ્સ ત્રીજી મે સુધી સ્થગિત રહેશે. આ ઉફરાંત મંત્રાલયે કહ્યું છે કે લોકડાઉન દરમ્યાન લોકોના આંતરરાજ્ય આવાગમન, આંતર જિલ્લા આવ-જા, મેટ્રો, બસ સેવાઓ ત્રીજી મે સુધી બંધ રહેશે.

કોરોનાના કેસમાં સતત વધારો

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 11,439 થઈ ગઈ છે.પાછલા 24 કલાકમાં કોરોનાના 1,076 નવા કેસ સામે આવ્યા છે અને 38 લોકોનાં મોત થયાં છે.