વર્ક ફ્રોમ હોમ પછી કેવું રહેશે વર્ક ફ્રોમ ઓફિસ?

કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું. પરંતુ આ વાયરસના વધી ગયેલાં વ્યાપને લીધે લૉકડાઉનનો સમય વધુ લંબાવવામાં આવ્યો છે. લૉકડાઉનને કારણે દેશના અનેક ક્ષેત્રે નુકસાન થઈ રહ્યું છે, કોર્પોરેટ ક્ષેત્રને વધુ નુકસાન થયું છે.

કોરોના વાયરસને કારણે કંપનીઓને ભોગવવા પડેલા નુકસાનમાંથી લૉકડાઉનની સમાપ્તિ બાદ કઈ રીતે ઉપર આવવું તે વિશે કોર્પોરેટ જગત વિચારવા લાગ્યું છે. એક સિનિયર એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે, ‘કંપનીઓ હવે પછી બિઝનેસમાં તેજી લાવવા તેમજ લાંબા સમયની મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો તે વિશે વિચારવા લાગી છે. ઓફિસમાં માસ્ક પહેરવા જરૂરી કરવા ઉપરાંત વર્ક સ્પેસમાં અંતર વધારવાના ઉપાયો થશે.’

‘ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (FICCI)ના પ્રેસિડન્ટ શ્રીમતિ સંગીતા રેડ્ડીના મતે કર્મચારીએ હવે પછી વધુ સક્રિય બનવું પડશે. તેમજ કાયદાને લઈને એમણે કોઈ બેદરકારી પણ ન રાખવી જોઇએ. તે સાથે જ કંપનીઓએ બિઝનેસ ચાલુ રાખવા તેમજ નિયમિત રોકડ પ્રવાહ મેળવવા પર ધ્યાન આપવું પડશે.

આ દિવસોમાં વિવિધ કંપનીઓના માલિક-અગ્રણી સીઇઓ વિવિધ પ્રકાશનોની મુલાકાતોમાં પણ પોતાના આ વિશે મત પ્રગટ કરે છે.

‘ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ’ના સીઈઓ વિવેક ગંભીર જણાવે છે, ‘આપણે બહુ સતર્ક રહીને ચાલવાનું રહેશે. ફેક્ટરીઓને પણ હવે જેમ બને તેમ જલ્દી ખોલવી જોઇએ.’ ‘ગોદરેજ પ્રોપર્ટીઝ’ના ચેરમેન પિરોજશા ગોદરેજ જણાવે છે કે, ‘દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ પર ધ્યાન રાખવું અને તે અનુસાર ડોક્ટરની સલાહનું પાલન કરવું ઠીક રહેશે.’

(FICCI)ની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંક્રમણથી બચવા માટે કાર્ય સ્થળને જ એ રીતે તૈયાર રાખવા. સાથે એમ્પ્લોઇઝના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જોઈએ.’

‘TVS’ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને જણાવ્યું, ‘અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ ટીમ તથા સિનિયર એક્ઝિક્યુટિવ સાથે મળીને નક્કી કરી લીધું છે કે કાર્યસ્થળે દરેક એમ્પ્લોઇઝે માસ્ક પહેરવું જરૂરી રહેશે અને સાથે એમ્પ્લોઇઝના બેસવાની જગ્યાઓ વચ્ચેનું અંતર પણ વધારે રાખવું જોઈએ.’

‘પેરાશૂટ’ બ્રાન્ડના માલિક ‘મૈરીકો’ના ચેરમેન હર્ષ મારીવાલાએ પણ કાર્ય ક્ષેત્રે માસ્ક પહેરવાનો નિયમ બનાવવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું, ‘દરેકે દરેક એમ્પ્લોઇઝે નિયમિત રીતે હેન્ડવોશ તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. ઓફિસમાં સામાજિક અંતર રાખવું. શક્ય ત્યાં સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પણ છૂટ આપવી.’

દેશની એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની ‘બાયોકૉને’ તો કાર્યસ્થળે સામાજિક અંતર રાખવાની શરૂઆત પણ કરી દીધી છે. આ કંપનીની ચેરમેન કિરણ મજૂમદાર શો એ કહ્યું છે, ‘હજુ થોડો સમય વર્ક ફ્રોમ હોમનો નિયમ ચાલુ રાખવો હિતાવહ રહેશે. ફક્ત જરૂરી કાર્યો માટે જ ટ્રાવેલિંગની પરમિશન આપવામાં આવશે.’

શ્રીનિવાસને બિઝનેસમાં રોકડ પ્રવાહ ની કમી ને લઈને ચિંતા વ્યક્ત કરી છે, ‘વર્તમાન અનિશ્ચિત સમયમાં રોકડ પ્રવાહની કમીને લીધે બિઝનેસમાં નુકસાન ન થવું જોઈએ. અમે બિઝનેસ બચાવવા તેમજ ચલાવવા માટે જરૂરી પગલાં લઈશું.’ આ સાથે જ અન્ય મધ્યમ કદની કંપનીઓએ પણ લૉકડાઉન બાદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આયોજન શરૂ કરી દીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]