સરકારનો ટેસ્લાને જવાબઃ બજાર ભારતનું, રોજગારી ચીનને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે ટેસ્લાની વેપાર કરવાની તરાહ પર સવાલો ઊભા કર્યા હતા. ટેક્સમાં રાહતની માગ કરી રહેલી કંપનીને સરકારે કહ્યું  કહ્યું હતું કે જો કંપની ભારતીય માર્કેટમાં એની પ્રોડક્ટ વેચવા ઇચ્છતી હોય તો કંપનીએ ભારતમાં ઉત્પાદન સુવિધા ઊભી કરવી પડશે, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે, પણ જો કંપનીનું બજાર ભારતમાં હોય પણ નોકરીની તકો ચીનમાં ઊભી થાય (કંપની આયાત ડ્યુટીમાં રાહતની માગ કરી રહી છે), એમ ભારે ઉદ્યોગના રાજ્ય કક્ષાના પ્રધાન કૃષ્ણ પાલ ગુર્જરે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આવી કંપનીઓને સરકાર સબસિડી અને ટેક્સમાં રાહત ના આપી શકે –જે કંપનીઓ અહીં ઉત્પાદન સુવિધા અને અન્ય કામગીરીની સુવિધા અહીં ઊભી ના કરતી હોય. અમારે એવી કંપનીની તરફેણ બિલકુલ નથી કરવી, જે એનાં ઉત્પાદનો તો અહીં વેચવા માગે છે, પણ એ ચીનમાં રોજગારી ઊભી કરે. વડા પ્રધાન મોદીનું વિદેશી કંપનીઓ માટે એક વિઝન છે કે જો તમે તમારાં ઉત્પાદનો અહીં વેચવા માગતા હો તો અમારે અહીં ઉત્પાદન સુવિધા વિકસાવવી જ પડશે.

ગયા વર્ષે એલન મસ્કની માલિકની કંપની ટેસ્લાએ દેશમાં ઇલેક્ટ્રિક્ટ વાહનો પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની માગ કરી હતી, પણ સરકારે કંપનીને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની સુવિધા ભારતમાં ઊભી કરવા નિર્દેશ આપ્યા હતા.