‘મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો’: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ ભાજપશાસિત કર્ણાટક રાજ્યમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદમાં અનેક રાજકીય પક્ષો અને નેતાઓ પ્રત્યાઘાત આપી રહ્યાં છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ પણ આ મુદ્દે કમેન્ટ કરી છે. એમણે કહ્યું છે, મહિલાઓએ શું પહેરવું એ નક્કી કરવાનો મહિલાઓને અધિકાર છે, પછી એ બિકીની હોય, ઘૂંઘટ હોય, જીન્સ હોય કે હિજાબ હોય. આ અધિકાર ભારતના બંધારણમાં આપવામાં આવ્યો છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે. વધુ કોલેજોનાં વિદ્યાર્થીઓમાં હિજાબનો વિરોધ થતાં રાજ્ય સરકારને ત્રણ દિવસ સુધી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. અમુક સ્થળે પથ્થરમારાના બનાવ પણ બન્યા છે અને પોલીસ દ્વારા બળનો ઉપયોગ પણ થતો જોવા મળ્યો છે. આ વિવાદ હાલ કર્ણાટક હાઈકોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.