કૃષિ કાયદાઓ પાછા લે સરકારઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીની સાથે અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદે નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બે કરોડના હસ્તાક્ષરવાળું મેમોરેન્ડમ સોંપ્યું હતું. રાષ્ટ્રપતિને અમે કહ્યું હતું કે આ કાયદા ખેડૂતોને નુકસાન કરનારા છે. ખેડૂતો કાયદાની સામે છેલ્લા 29 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનમાંથી નહીં હટે, જ્યાં સુધી કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પાછા નહીં જાય, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.

ખેડૂત આંદોલનને મુદ્દે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને અટકાવી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી સહિત અન્ય કેટલાક નેતાઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા, પણ એ પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. રાહુલ ગાંધી પછી અન્ય કેટલાક નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની ચર્ચા કર્યા વગર તેમની પર કાયદાઓ થોપી દેવામાં આવ્યા છે. તમે કયા દેશની વાત કરો છો, ઇન્ડિયામાં કોઈ લોકતંત્ર નથી. સરકારે સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કાયદાઓ તરત પાછા લે. ખેડૂત આજે દુખઃદર્દમાં છે. કેટલાક ખેડૂતોનાં મોત થયાં છે. નરેન્દ્ર મોદીનું એક જ લક્ષ્ય છે- તે પોતાના શ્રીમંત ઉદ્યોગપતિઓનો સાથ આપી રહ્યા છે. મોદીની સામે જો મોહન ભાગવત પણ ઊભા રહે તે તેઓ કહેશે કે તેઓ પણ આતંકવાદી છે.