પગારકાપમાં 5% રોલબેક એર ઈન્ડિયાના પાઈલટોને નામંજૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટોના પગારમાં મોટો કાપ મૂક્યો છે, જેને પાઈલટોએ ગેરકાયદેસર ગણાવ્યો છે. હવે એ પગારકાપમાં પાંચ ટકા હિસ્સો પાછો ખેંચી લેવાની એર ઈન્ડિયા વહીવટીતંત્રએ ઓફર કરી છે, પણ પાઈલટોએ તેને નકારી કાઢી છે. એમણે કહ્યું કે આ તો સાવ મામૂલી છે અને આ હિસ્સાને એર ઈન્ડિયાના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર સંસદભવનની નવી ઈમારતના બાંધકામ માટેના ભંડોળમાં અથવા પીએમ કેર ફંડમાં દાનમાં આપી દે.

પાઈલટોના બે સંગઠન – ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ અને ઈન્ડિયન કમર્શિયલ પાઈલટ્સ એસોસિએશને એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બંસલને પત્ર લખીને કહ્યું છે કે અમે ગેરકાયદેસર પગારકાપમાં પાંચ ટકા રોલબેકનો સ્વીકાર કરતા નથી. અમે તમને સલાહ આપીએ છીએ કે તમે આ પાંચ ટકા નવા સંસદભવનના બાંધકામ માટેના ભંડોળમાં અથવા પીએમ કેર ફંડમાં દાનમાં આપી દો. ખુદ સંસદસભ્યોએ એમના કુલ વેતનમાં માત્ર 30 ટકા કાપનો જ સ્વીકાર કર્યો છે અને એનાથી વધારે કાપ સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી છે ત્યારે અમારા કુલ પગારમાં 55 ટકાના સ્વછંદી રીતે મૂકવામાં આવેલા ધરખમ કાપને અમે પાઈલટો ચલાવી લઈએ તે અત્યંત ખરાબ કહેવાય.