લોકોને રોકડ મદદ નહીં કરીને અર્થવ્યવસ્થાને બર્બાદ કરી રહી છે સરકાર: રાહુલ ગાંધી

નવી દિલ્હી: લોકડાઉનને લીધે મંદ પડેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. તો આ તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારે આરોપ લગાવ્યા છે કે કોરોના મહામારી જેવા સંકટના સમયમાં સરકાર એમએસએમઈ ક્ષેત્ર       (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) ને રોકડ મદદ નહીં કરીને અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે.

આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દાવો કર્યો હતો કે સરકારનું આ વલણ નોટબંધી 2.0 છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિતેલા કેટલાક અઠવાડિયાથી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, ગરીબ, મજૂરો અને MSMEને નાણાકીય સહાય કરવામાં આવે. તેમનું કહેવુ છે કે, લોકોના ખાતાઓમાં આગામી છ મહિના સુધી 7500 રૂપિયા દર મહિને મોકલવામાં આવે તથા તાત્કાલિક ધોરણે 10 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે.

આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે તેમના ટ્વીટમાં 6 દેશોના ગ્રાફ રજૂ કર્યા છે અને દર્શાવવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોનાવાઈરસને લીધે 25 માર્ચના રોજ લાગુ કરેલુ લોકડાઉન સંપૂર્ણપણે ફેલ ગયું.

આ પહેલા 12મે, લોકડાઉન દરમિયાન પીએમ મોદીએ દેશના સૌથી પ્રભાવિત વર્ગને રાહત આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી ચૂક્યા હતા. જે પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે વિગતવાર માહિતી આપતા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી 3 લાખ કરોડ MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ફાળવ્યા હતા. નાણામંત્રીએ MSME સાથે જોડાયેલા લોકોને ગેરંટી વગર લોન આપવાની પણ જાહેરાત કરી હતી જેની પરત કરવાની સમયમર્યાદા ચાર વર્ષની છે.