સરકાર ખાનગી હોસ્પિટલોને સુરક્ષા આપી ના શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ખાનગી હોસ્પિટલોની સુરક્ષાને મુદ્દે એક અરજી પર આકરી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો નર્સિંગ હોમ્સ અને ખાનગી હોસ્ટિપલોને સુરક્ષા પૂરી ના પાડી શકે, કેમ કે આ હોસ્પિટલો એક વ્યાવસાયિક કંપનીની જેમ ચાલે છે. આ પિટિશનમાં માગ કરવામાં આવી હતી કે દર્દીઓનાં સગાંસંબંધીઓ અને અન્ય લોકો હોસ્પિટલના ડોક્ટરો અને હેલ્થકેર કામદારો પર હુમલાઓ કરે જેથી સરકારોને સુરક્ષા પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. કે. કૌલ અને એ. એસ. ઓકાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી તગડો ચાર્જ વસૂલે છે અને ડોક્ટર્સ સહિત હોસ્પિટલના કર્મચારીઓ સુરક્ષાનો મુદ્દો એ તેમનો પોતાનો છે, જેથી તેમણે એ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોર્ટે સવાલ કર્યો હતો કે દેશમાં ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ અગણિત છે, જેથી સરકાર બધાને કઈ રીતે સુરક્ષા પૂરી પાડી શકે?

દિલ્હી મેડિકલ એસોસિયેશન વતી સિનિયર એડવોકેટ વિજય હંસારિયાએ કહ્યું હતું કે ડોક્ટરો અને હેલ્થકેર કર્મચારીઓ પર દર્દીનાં સગાંસંબંધીઓ હુમલા કરે છે, જેથી તેમની સુરક્ષા માટે એવી પદ્ધતિ બનાવવામાં આવે. ખંડપીઠે જણાવ્યું હતું કે મોટાં શહેરોમાં દરેક ગલીઓમાં મેડિકલ સેન્ટર છે, જેથી તમામની સુરક્ષા માટેનો ઓર્ડર કેવી રીતે પાસ કરી શકાય?

કોર્ટે એ નોંધ્યું હતું કે ડોક્ટરો અને કર્મચારીઓના હુમલા સિસ્ટમની નિષ્ફળતાના પુરાવા છે. કોર્ટે અરજીકર્તાને કહ્યું હતું કે તમે સરકાર પર બોજ ના નાખી શકો. અરજીકર્તાના સંબંધિત દસ્તાવેજો જમા કરાવવાની વાત પર પીઠે આ અરજી પર વધુ સુનાવણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો.