નવી દિલ્હીઃ કર્ણાટક સરકાર હાલ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી નેતાઓ અને સરકારને ચેતવણી આપી હતી કે માત્ર એટલી જ ગેરંટીનું વચન આપો, જેટલી એ પૂરી થઈ શકે. નહીંતર સરકાર નાદારી તરફ જતી રહેશે.
તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં પાંચ ગેરંટીનું વચન આપવામાં આવ્યું હતું. એને જોઈને અમે મહારાષ્ટ્રમાં પાંચ ગેરંટીનું વચન આપ્યું છે. હાલમાં એવા અહેવાલ હતા કે કર્ણાટક સરકાર હવે એક ગેરન્ટીને રદ કરવાની યોજના બનાવી રહી છે. જેથી તેમણે જણાવ્યું હતું કે તમે એક ગેરંટી રદ કરી દેશો. એવું લાગે છે કે તમે બધાં ન્યૂઝ પેપર નથી વાંચતા. પરંતુ મેં વાંચ્યું, એટલે કહી રહ્યો છું. મેં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે પાંચ, છ, સાત કે આઠ ગેરંટીના વચન ન આપો. તેના બદલે એવા વચન આપો જે તમારા બજેટ પ્રમાણે હોય.
ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા અને કહ્યું, જો તમે બજેટ પર વિચાર કર્યા વિના વચન આપતા રહેશો તો નાદારી તરફ જતા રહેશો. રસ્તા પર રેતી નાખવાના પૈસા નહીં હોય. જો આ સરકાર અસફળ રહી તો તેની અસર આવનારી પેઢીઓ પર પડશે. આનાથી બદનામી થશે અને સરકારને આવનાર દસ વર્ષો સુધી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે, તેથી બજેટ પર સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આપણે બજેટના આધારે મહારાષ્ટ્રમાં ગેરંટીની જાહેરાત કરીશું. ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. 15 દિવસની ચર્ચા બાદ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણીની ગેરંટીએ આકાર લીધો છે. અમે તેની જાહેરાત નાગપુર અને મુંબઈમાં કરીશું.કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના લોકોની સામે પાંચ મોટી ગેરંટી આપવામાં આવી હતી. તેમાં ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર બે મહિને 2 હજાર રૂપિયા, યુવા નિધિ હેઠળ બેરોજગાર ગ્રેજ્યુએટ્સને બે વર્ષ સુધી ત્રણ હજાર રૂપિયા, ડિપ્લોમાધારકોને 1500 રૂપિયા, અન્ન ભાગ્ય યોજનામાં ગરીબી રેખા નીચે દરેક પરિવારને દર મહિને પ્રતિ વ્યક્તિ 10 કિલો ચોખા, સખી કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત યાત્રા અને ગૃહ જ્યોતિ યોજના હેઠળ દરેક ઘરને 200 યુનિટ વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
હવે જો કોંગ્રેસ પાંચેય ગેરંટીને પૂરી કરે છે તો તેનાથી કર્ણાટકની આવક ખાધ 60 હજાર કરોડ રૂપિયાથી વધીને 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા થઈ જશે અને રાજ્યના કુલ બજેટના લગભગ 21 ટકા ભાગ છે. કર્ણાટક પર પહેલાંથી જ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એવામાં આ દેવામાં વધારો થઈ શકે છે.