તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યમાં પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળના અખાતમાં, એમ બંને બાજુના આકાશમાં ચક્રવાતનું સ્વરૂપ સર્જાતાં એની અસરને કારણે ભારે વરસાદ પડતાં વિનાશ થયો છે. ઓછામાં ઓછા 21 જણના મરણનો અહેવાલ છે તથા બીજાં અનેક લાપતા થયા છે. અનેક સ્થળે પૂર અને ભેખડ ધસી પડવાની ઘટનાઓ બની છે. મોટા ભાગના મરણ ભેખડોના કાટમાળ અને કાદવના ઢગલા નીચે દબાઈ જવાથી થયા છે.
ઘણા ડેમ ભરાઈ જતા એમની પર પાણીનું દબાણ ઓછું કરવા દરવાજા ખોલી દેવા પડ્યા છે, એને પરિણામે અનેક નદીઓમાં પૂર આવ્યું છે જેમનું પાણી આસપાસના નિચાણવાળા ભાગો, ગામો, નગરોમાં ફરી વળ્યાં છે. પૂરના પાણીમાં અનેક ઝાડ ઉખડી ગયા છે અને પાણીના પ્રવાહમાં અનેક ઘરો પણ તણાઈ ગયા છે. ભેખડો ધસી પડવાને કારણે કોટ્ટાયમ જિલ્લાનું કુટ્ટીક્કલ અને ઈડુક્કી જિલ્લાનું કોકાયાર નગર રાજ્યના શેષ ભાગથી વિખૂટું ગયું છે. રાજ્યના અનેક ભાગોમાં અસંખ્ય વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે.
