કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનમાં પાંચનાં મોતઃ વરસાદનું રેડ અલર્ટ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં હાલના દિવસોમાં મોસમ કહેર વર્તાવી રહી છે. હવામાન વિભાગે દહેરાદૂન સહિત છ જિલ્લાઓમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું રેલ અલર્ટ જારી કર્યું છે. અહીં ભૂસ્ખલનના કાટમાળમાં દબાવાથી ગુજરાતના ત્રણ તીર્થયાત્રીઓ સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઉત્તરાખંડના છ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી હતી. વહીવટી તંત્રએ સામાન્ય જનતાને પર્યાપ્ત સાવચેતી રાખવા નિર્દેશ આપ્યા છે.

કેદારનાથ યાત્રા માર્ગ પર ફાટા ક્ષેત્રના તરસાલીમાં ગુરુવાર રાતથી ભૂસ્ખલનને કારણે કારમાં સવાર પાંચ લોકોના કાટમાળમાં દબાવાઓથી મોત થયાં હતાં, પરંતુ વરસાદને લીધે શુક્રવારે તેમના મૃતદેહો મેળવી શકાયા. આ મૃતકોમાં ગુજરાતના ત્રણ અને હરિદ્વારનો એક શ્રદ્ધાળુ સામેલ છે.

ત્રણ ગુજરાતીનાં મોત

શહેરના મણિનગરના રહેવાસી જિગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વારથી કેદારનાથ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ફાટા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતુ. જેમાં આ કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાં છે.

ગુપ્તકાશી-ગૌરીકુંડ ધોરીમાર્ગ પર ફાટા નજીક તરસાલી ખાતે ભૂસ્ખલન થયું હતું. જેનાથી માર્ગનો 60 મીટરનો વિસ્તાર ધોવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ એક કારમાં કેદારનાથના પવિત્ર મંદિર જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ફાટા અને સોનપ્રયાગ વચ્ચેના પર્વત પરથી પથ્થરો નીચે પડતા કાર કચડાઈ ગઈ હતી.

મુખ્ય પ્રધાન પુષ્કર  સિંહ ધામીએ વરસાદથી પ્રભાવિત કોટદ્વાર ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમાં સતત વરસાદને પગલે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધી 58 લોકોનાં મોત થયાં છે અને 37 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 19 લોકો લાપતા છે. આ સિવાય 1167 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે, જેમાં 33 સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.