ભારત-અમેરિકા વેપાર કરારનો પહેલો તબક્કો નવેમ્બર સુધી ફાઇનલ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વેપાર કરારને લઈને ચર્ચા અત્યંત સકારાત્મક વાતાવરણમાં ચાલી રહી છે અને તેનો પહેલો તબક્કો આ વર્ષે નવેમ્બર સુધી ફાઇનલ થઈ જવાની આશા છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી, 2025માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મળીને અમને સૂચના આપી હતી કે બંને પક્ષોના મંત્રીઓ નવેમ્બર 2025 સુધીમાં એક સારો કરાર તૈયાર કરે. એ કરારનો પહેલો ભાગ એટલે કે પહેલો તબક્કો, નવેમ્બર 2025 સુધી ફાઇનલ થઈ જવો જોઈએ. માર્ચથી આ વિષય પર ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે અને ખૂબ સકારાત્મક વાતાવરણમાં વાત આગળ વધી રહી છે. આ પ્રગતિથી બંને પક્ષમાં સંતોષ છે.આના એક દિવસ પહેલાં બંને દેશો વચ્ચેના વેપારી તણાવ (ટ્રેડ ટેન્શન) ઓછા થવાના સંકેત આપતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વેપાર અવરોધો દૂર કરવા માટે સતત ચર્ચા કરી રહ્યા છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે આ ચર્ચાની સફળતા માટે કોઈ મુશ્કેલી નહીં આવે.

એના થોડા જ કલાકો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે બંને દેશો સ્વાભાવિક ભાગીદાર છે અને એક ઉજ્જવળ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે મળીને કામ કરશે.

ભારત-અમેરિકા સંબંધોમાં તિરાડ

ભારત-અમેરિકા દ્વિપક્ષી સંબંધોમાં એ સમયે તિરાડ પડી હતી, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી બદલ દંડરૂપે 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. 27 ઓગસ્ટથી ભારતમાં કુલ 50 ટકા ટેરિફ લાગુ છે. ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થનારા માલમાં ટેક્સટાઇલ (કાપડ), રત્ન અને દાગીના, ગાલીચા અને ફર્નિચર તથા ઝીંગા  સામેલ છે.