ચંડીગઢઃ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને કારણે ફિરોઝપુરમાં થનારી તેમની ચૂંટણી સભા રદ થયા પછી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યો છે. PMની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ગૃહ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે પાંચ જિલ્લાના SP સહિત 13 અધિકારીઓને હાજર થવા ફરમાન કર્યું છે. કેન્દ્રના ત્રણ અધિકારીઓએ આ 13 અધિકારીઓને હાજર થવા નિર્દેશ આપ્યા છે, એમ અહેવાલો કહે છે.
પંજાબના DGP, IG અને AP સ્તરના અધિકારીઓને હાજર થવા કહેવામાં આવ્યું છે. મોગા, મુક્તર સાહિબ, ફરિદકોટ અને તરનતારન જિલ્લાના SPને પણ હાજર થવા નિર્દેશ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ 150 અજાણ્યા લોકોની સામે FIR નોંધવામાં આવ્યો છે. આ મામલે પંજાબના DGP સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પણ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
વડા પ્રધાનની સુરક્ષામાં ચૂકને મામલે તપાસ માટે ગૃહ મંત્રાલયની ટીમ શુક્રવારે પંજાબના ફિરોઝપુર પહોંચી હતી. ટીમ એ સ્થળે પણ ગઈ હતી, જ્યાં વડા પ્રધાનનો કાફલો આશરે 15-20 મિનિટ સુધી રોકાયો હતો. દિલ્હીથી ગયેલી ટીમે ફિરોઝપુરના SSP અને DIGને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયની ટીમ PMની સુરક્ષા ચૂક મામલે વધુ ને વધુ માહિતી એકત્ર કરવા ઇચ્છે છે અને ટીમે બધા અધિકારીઓ પાસે સંપૂર્ણ વિગતો માગી હતી. આ માટે તેમને કેટલો સમય આપવામાં આવ્યો છે, એની માહિતી નથી મળી. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય મનીષ તિવારીનો મત રાજ્ય સરકારથી અલગ છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનો કાફલો જ્યાં અટક્યો હતો, એનાથી સરહદ માત્ર 10 કિમી દૂર છે. ભારત પાકિસ્તાન સરહદે પાકિસ્તાનની જે આર્ટિલરી તહેનાત છે અને એની રેન્જ 35-36 કિમીથી વધુ છે. આવામાં દેશના વડા પ્રધાનની સુરક્ષાની તુલના અન્ય કોઈથી કરવી એ ઉચિત નથી.