વિદેશી પ્રવાસીઓને સાત દિવસ માટે ક્વોરોન્ટિન ફરજિયાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના વધતા કેસો મામલે મોટો નિર્ણય લીધો છે. વિદેશથી આવનારા બધા યાત્રીઓએ સાત દિવસો માટે હોમ ક્વોરોન્ટિન ફરજિયાત કરી દીધું છે. આ પહેલાં સાત દિવસનો ક્વોરોન્ટિન નિયમો માત્ર ‘એટ રિસ્ક’વાળા દેશોના યાત્રીઓ માટે હતો, પણ હવે ‘નોન એટ રિસ્ક’ દેશોના યાત્રીઓને પણ સાત દિવસ હોમ ક્વોરોન્ટીન જરૂરી કરી દીધું છે.

આઠમા દિવસે RT-PCRનો નિયમ પણ ‘નોન એટ રિસ્ક’ યાત્રીઓ માટે નવો છે. બંને શ્રેણીઓના યાત્રીઓને RT-PCRનું પરિણામ એર સુવિધા પર અપલોડ કરવાનું રહેશે. ઓમિક્રોનના દેશમાં 3000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં દૈનિક ધોરણે કોરોનાના કેસો 1.17 લાખથી વધુ કેસ નોંધાયા છે. દૈનિક મોતનો આંકડો શુક્રવારે 300ને પાર થયો હતો. આવામાં દેશમાં કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરાનાના તાજા કેસો પછી ‘એટ રિસ્ક’ કેટેગરીવાળા દેશોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે અને નવ વધુ નવા દેશ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલી ડિસેમ્બરથી વિદેશમાંથી ભારત આવનારા યાત્રીઓ માટે ગાઇડલાઇન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન, નવા ‘એટ રિસ્ક’ કન્ટ્રીઝની સાથે 11 જાન્યુઆરીથી લાગુ થશે. આમાં યુકે સહિત યુરોપના દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યુ ઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર હોંગકોંગ અને ઇઝરાયેલ સામેલ હતા. હવે નવી ગાઇડલાઇન જારી થઈ તો નવ વધુ દેશોને સામેલ કરવામાં આવ્યા છે.