ઇટાલીથી અમૃતસરઃ વધુ એક ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ

અમૃતસરઃ ઇટાલીથી પંજાબના અમૃતસર પહોંચેલી એક વધુ ફ્લાઇટમાં 150 યાત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એ ફ્લાઇટ રોમથી 290 લોકોને લઈને અમૃતસર પહોંચી છે. આ પહેલાં ગુરુવારે એવો જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં ઇટાલીના મિલાનથી અમૃતસર પહોંચેલી ફ્લાઇટમાં 125 પ્રવાસીઓએ સંક્રમિત મળ્યા હતા. આ કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે છઠ્ઠી જાન્યુઆરીએ AAI દ્વારા 10 એરપોર્ટ પર પહોંચવા પર કુલ 2437 આંતરાષ્ટ્રીય યાત્રીઓની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી હતી. આમાંથી 140 યાત્રીઓ કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું.

દેશમાં કોરોનાના કેસોમાં વધારાને જોતાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વિદેશથી આવનારા બધા યાત્રીઓએ સાત દિવસો માટે હોમ ક્વોરોન્ટિન ફરજિયાત કરી દીધું છે. આ પહેલાં સાત દિવસનો ક્વોરોન્ટિન નિયમો માત્ર ‘એટ રિસ્ક’વાળા દેશોના યાત્રીઓ માટે હતો, પણ હવે ‘નોન એટ રિસ્ક’ દેશોના યાત્રીઓને પણ સાત દિવસ હોમ ક્વોરોન્ટિન જરૂરી કરી દીધું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100  નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 28.8 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302  લોકોનાં મોત થયાં છે.